04 September, 2024 08:21 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
સિરીઝ જીત્યા પછી ખુશખુશાલ બંગલાદેશની ટીમ.
બંગલાદેશે ગઈ કાલે બીજી અને સિરીઝની છેલ્લી ટેસ્ટમાં પાકિસ્તાનને છ વિકેટે હરાવીને ૨-૦થી ઐતિહાસિક જીત નોંધાવી હતી. બંગલાદેશને અંતિમ દિવસે ૧૪૩ રનની જરૂર હતી અને એની દસ વિકેટ સુરક્ષિત હતી. બંગલાદેશે ૫૬મી ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો અને શાકિબ-અલ-હસને વિજયી ફોર ફટકારી હતી. પાકિસ્તાન સામે બંગલાદેશની આ પહેલી ટેસ્ટ-સિરીઝ જીત છે.
આ સિરીઝ પહેલાં બંગલાદેશ ૧૩માંથી ૧૨ ટેસ્ટ પાકિસ્તાન સામે હારી ગયું હતું. ૨૦૧૫માં ઘરઆંગણે એક મૅચ ડ્રૉ કરવામાં સફળ રહ્યું હતું. રાવલપિંડીમાં પહેલી ટેસ્ટમાં આ ટીમે પાકિસ્તાન સામે પહેલી ટેસ્ટ-જીત મેળવી હતી. ૨૦૦૯માં વેસ્ટ ઇન્ડીઝ સામે બે ટેસ્ટ-મૅચની સિરીઝ જીતનાર બંગલાદેશની વિદેશની ધરતી પર આ બીજી ટેસ્ટ-સિરીઝ જીત છે. એક ટેસ્ટ-ઇનિંગ્સમાં તમામ વિકેટ બંગલાદેશી ફાસ્ટ બોલર્સે લીધી હોય એવી પહેલી ઘટના ચોથા દિવસની રમતમાં બની છે. હસન મહમૂદ (પાંચ વિકેટ), નાહિદ રાણા (૪ વિકેટ) અને તસ્કીન અહમદે (૧ વિકેટ) શાનદાર બોલિંગ કરીને આ કમાલ કરી છે.
રાજકીય અસ્થિરતા વચ્ચે ટેસ્ટ-મૅચના પાંચમા દિવસે ઐતિહાસિક જીત મેળવીને બંગલાદેશી ટીમે દેશના ક્રિકેટ-ફૅન્સને ઉજવણીની તક આપી છે. ૧૩૦૩ દિવસથી પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ઘરઆંગણે એક પણ ટેસ્ટ જીતી શકી નથી. છેલ્લે ૨૦૨૧ના ફેબ્રુઆરીમાં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ-જીત મેળવી હતી.
WTC પૉઇન્ટ-ટેબલમાં બંગલાદેશની ઊંચી છલાંગ, પાકિસ્તાન આઠમા ક્રમે ધકેલાઈ ગયું
બંગલાદેશની બીજી ટેસ્ટમાં જીત થતાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના પૉઇન્ટ-ટેબલમાં મોટો ફેરફાર થયો છે. બંગલાદેશની ટીમ ૪૫.૮૩ પૉઇન્ટ ટકાવારી સાથે છઠ્ઠાથી ચોથા ક્રમે પહોંચી ગઈ છે. ઇંગ્લૅન્ડ (૪૫.૦૦) અને સાઉથ આફ્રિકા (૩૮.૮૯) અનુક્રમે પાંચમા અને છઠ્ઠા ક્રમે આવી ગયા છે. આ મૅચ પહેલાં પાકિસ્તાનની પૉઇન્ટ ટકાવારી ૨૨.૨૨ હતી જે હવે ૧૯.૦૪ થઈ છે. આઠમા ક્રમે હોવાથી આ ટીમને ફાઇનલમાં પહોંચવું હવે અશક્ય બની ગયું છે. ૯ દેશોના રૅન્કિંગમાં વેસ્ટ ઇન્ડીઝ ૧૯.૦૫ પૉઇન્ટ ટકાવારી સાથે સૌથી નીચે છે. આ લિસ્ટમાં ભારત (૬૮.૫૨) પહેલા ક્રમે, ઑસ્ટ્રેલિયા (૬૨.૫૦) બીજા ક્રમે, ન્યુ ઝીલૅન્ડ (૫૦.૦૦) ત્રીજા અને શ્રીલંકા (૩૩.૩૩) સાતમા ક્રમે છે.