23 October, 2024 10:24 AM IST | Dhaka | Gujarati Mid-day Correspondent
સાઉથ આફ્રિકાના કાઇલ વેરેનેએ ૧૧૪ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી, મુશફિકુર રહીમ ૩૧ રન બનાવીને અણનમ રહ્યો હતો.
ઢાકામાં બંગલાદેશ અને સાઉથ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટના બીજા દિવસે પણ રોમાંચક રમત જોવા મળી હતી. સાઉથ આફ્રિકાએ ૧૪૦-૬ના સ્કોરથી દિવસની શરૂઆત કરીને કાઇલ વેરેનેની ૧૧૪ રનની ઐતિહાસિક ઇનિંગ્સની મદદથી ૮૮.૪ ઓવરમાં ૧૦ વિકેટે ૩૦૮ રન ફટકાર્યા હતા. બીજા દિવસે ખરાબ પ્રકાશને કારણે સમય પહેલાં રમત સમાપ્ત થઈ ત્યારે બંગલાદેશનો સ્કોર ૧૦૧-૩ હતો, યજમાન ટીમ આ ટેસ્ટમાં હજી ૧૦૧ રન પાછળ છે. ઓપનર મહમુદુલ હસન ૩૮ રન અને મુશફિકુર રહીમ ૩૧ રન બનાવીને અણનમ રહ્યા હતા અને ચોથી વિકેટ માટે અણનમ ૪૨ રનની ભાગીદારી કરી હતી.
૮ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૪૪ બૉલમાં ૧૧૪ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમનાર કાઇલ વેરેનેએ જૂન ૨૦૨૧માં ટેસ્ટ-ડેબ્યુ કર્યું હતું. બંગલાદેશની ધરતી પર આ તેની પહેલી ટેસ્ટ-મૅચ હતી. તે બંગલાદેશની ધરતી પર ટેસ્ટ-સેન્ચુરી ફટકારનાર પહેલો સાઉથ આફ્રિકન વિકેટકીપર બૅટર બની ગયો હતો. ૨૭ વર્ષના આ વિકેટકીપરે ૧૯ ટેસ્ટમાં આ બીજી સેન્ચુરી ફટકારી છે.
બંગલાદેશના સ્ટાર બૅટર મુશફિકુર રહીમે જ્યારે ૨૭ રન પૂરા કર્યા ત્યારે તેણે એક મોટો રેકૉર્ડ પોતાને નામે કર્યો હતો. તે બંગલાદેશ માટે ૬૦૦૦ ટેસ્ટ-રન ફટકારનાર પહેલો બૅટર બન્યો હતો. ઓવરઑલ સૌથી વધુ ટેસ્ટ-રન બનાવનાર ક્રિકેટરોના લિસ્ટમાં તે ૬૦૦૩ રન સાથે ૭૪મા ક્રમે છે.