22 November, 2024 09:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બંગલાદેશ ટીમ
આજથી વેસ્ટ ઇન્ડીઝ અને બંગલાદેશની ટીમ વચ્ચે પણ બે મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ થઈ રહી છે. બન્ને ટીમ વચ્ચે ૨૦૦૨થી ૧૦ ટેસ્ટ-સિરીઝ રમાઈ છે. બે-બે મૅચની આ તમામ ટેસ્ટ-સિરીઝમાંથી વેસ્ટ ઇન્ડીઝની ટીમે ૮ સિરીઝ જીતી છે. બંગલાદેશની ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે બે ટેસ્ટ-સિરીઝ જ જીતી શકી છે. આ ટેસ્ટ-સિરીઝમાં વેસ્ટ ઇન્ડીઝ પાસે હૅટ-ટ્રિક સિરીઝ જીતવાની તક છે, કારણ કે બંગલાદેશની ટીમ છેલ્લે ઘરઆંગણે ૨૦૧૮-’૧૯માં ૨-૦થી સિરીઝ જીતવામાં સફળ રહી હતી.
બંગલાદેશની ટીમ છેલ્લાં ૧૫ વર્ષથી વેસ્ટ ઇન્ડીઝમાં ટેસ્ટ-સિરીઝ કે ટેસ્ટ જીતી શકી નથી. ૨૦૦૯માં બંગલાદેશની ટીમે પહેલી વાર વેસ્ટ ઇન્ડીઝમાં ૨-૦થી સિરીઝ જીતી હતી ત્યાર બાદ બંગલાદેશની ટીમ ત્રણ વાર ટેસ્ટ-સિરીઝ રમવા વેસ્ટ ઇન્ડીઝ ગઈ પણ એક પણ ટેસ્ટમાં જીત મેળવી શકી નથી. ઇન્જર્ડ કૅપ્ટન નઝમુલ હુસેન શાંતોની ગેરહાજરીમાં ૨૭ વર્ષનો ઑલરાઉન્ડર મેહદી હસન મિરાઝ બંગલાદેશી ટીમની કમાન સંભાળશે. બંગલાદેશી ટીમ અનુભવી ક્રિકેટર્સની ગેરહાજરીમાં કૅરિબિયન ટીમના પડકારનો સામનો કઈ રીતે કરશે એના પર સૌની નજર રહેશે. સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં આયોજિત આ પહેલી ટેસ્ટ ભારતમાં સાંજે ૭.૩૦ વાગ્યાથી ફૅન કોડ ઍપ પર જોઈ શકાશે.