19 December, 2024 12:59 PM IST | Kingstown | Gujarati Mid-day Correspondent
ઐતિહાસિક સિરીઝ જીતની ઉજવણી કરતી બંગલાદેશની ટીમ
ગઈ કાલે ભારતીય સમય અનુસાર સવારે ૫.૩૦ વાગ્યે શરૂ થયેલી વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી T20 મૅચ ૨૭ રને જીતીને બંગલાદેશની ટીમે ઇતિહાસ રચ્યો છે. બંગલાદેશે ૭ વિકેટ ગુમાવીને ૧૨૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં યજમાન ટીમ ૧૮.૩ ઓવરમાં ૧૦૨ રન બનાવીને ઑલઆઉટ થઈ હતી. પહેલી મૅચમાં બંગલાદેશે ૭ વિકેટે જીત મેળવી હતી જે વેસ્ટ ઇન્ડીઝની ધરતી પર એની જ સામે બંગલાદેશની પહેલી T20 જીત હતી.
ગઈ કાલની જીત પણ બંગલાદેશ માટે ઐતિહાસિક હતી, કારણ કે બંગલાદેશે પહેલી વાર વેસ્ટ ઇન્ડીઝની ધરતી પર T20 સિરીઝ જીતી છે. વેસ્ટ ઇન્ડીઝ સામે બંગલાદેશની ટીમ માત્ર એક T20 સિરીઝ જીતી છે જે આ ટીમે ૨૦૧૮માં અમેરિકાના ફ્લોરિડામાં રમાયેલી સિરીઝની અંતિમ બે મૅચમાં સળંગ જીત મેળવીને ૨-૧થી જીતી હતી. એ ત્રણ મૅચની સિરીઝની પહેલી મૅચ વેસ્ટ ઇન્ડીઝે પોતાની ધરતી પર ૭ વિકેટે જીતી હતી. બન્ને ટીમ વચ્ચે આ પાંચમી T20 સિરીઝ રમાઈ રહી છે. આ પહેલાંની ચાર સિરીઝમાંથી વેસ્ટ ઇન્ડીઝે બે, બંગલાદેશે એક જીતી હતી અને એક સિરીઝ ડ્રૉ રહી હતી.
231
આ મૅચમાં આટલા રન બન્યા જે બન્ને ટીમ વચ્ચે રમાયેલી સૌથી ઓછા રનની T20 મૅચ છે.