18 January, 2025 08:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટ્રોફી સાથે બામણા ગામની ચૅમ્પિયન ટીમ.
બારેસી દરજી સમાજની દર વર્ષે યોજાતી ટેનિસ બૉલ ક્રિકેટ-ટુર્નામેન્ટમાં આ વર્ષે બામણા ગામની ટીમ ચૅમ્પિયન બની છે. છેલ્લાં ૩૦ વર્ષોથી બારેસી દરજી જ્ઞાતિ વિકાસ મંડળ દ્વારા જુદાં-જુદાં ગામો વચ્ચે રમાતી આ ટુર્નામેન્ટની દહિસરમાં રમાયેલી આ સીઝનમાં હુંજ, ખેડ, વાંકાનેર, ધોલવાણી, પુનાસણ, ખુમાપુર, જનાલી, ચાંદરણી, લીલછા, ભીલોડા, માધરી અને બામણા એમ કુલ ૧૨ ગામોની ટીમોએ ભાગ લીધો હતો. ત્રણ-ત્રણ ટીમનાં ચાર ગ્રુપમાં બારેય ટીમને વહેંચવામાં આવી હતી. સાત-સાત ઓવરની લીગ અને સેમી ફાઇનલના રોમાંચક મુકાબલાઓ બાદ બામણા અને હુંજ ગામની ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં હુંજ ગામની ટીમે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનું પસંદ કર્યું હતું અને ૭ ઓવરમાં સાત વિકેટે ૭૨ રન બનાવ્યા હતા. બામણા ટીમ ૬ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૭૭ રન બનાવી ચૅમ્પિયન બની હતી. ફાઇનલના મૅન ઑફ ધ મૅચ અને પ્લેયર ઑફ ધ સિરીઝ એ બન્ને અવૉર્ડ ચૅમ્પિયન બામણા ટીમના કુણાલ સોલંકીને મળ્યા હતા. ટુર્નામેન્ટનો બૅસ્ટ બૅટર પુનાસણ ગામની ટીમનો મિત ચૌહાણ અને બેસ્ટ બોલર બામણા ટીમનો વિવેક સોલંકી જાહેર થયો હતો.