03 October, 2024 10:57 AM IST | washington | Gujarati Mid-day Correspondent
બાબર આઝમ
૨૦૨૫ની વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં પાકિસ્તાનને નવો કૅપ્ટન શોધવાની ફરજ પડી છે. તેમના લિમિટેડ ઓવર્સના કૅપ્ટન બાબર આઝમે એક વર્ષમાં બીજી વાર કૅપ્ટનપદથી રાજીમાનું આપ્યું છે. બાબરે ૨૦૨૦માં ટેસ્ટ અને વન-ડે ટીમની કમાન સંભાળી હતી. આ પહેલાં તેને ૨૦૧૯માં T20 ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો હતો. ૨૦૨૩ના ઑક્ટોબર-નવેમ્બરના વન-ડે વર્લ્ડ કપ બાદ તેણે ત્રણેય ફૉર્મેટની કૅપ્ટન્સી છોડી હતી. એ સમયે શાહીન શાહ આફ્રિદીને લિમિટેડ ફૉર્મેટ અને શાન મસૂદને ટેસ્ટ ફૉર્મેટની કૅપ્ટન્સી મળી હતી. જોકે માર્ચ ૨૦૨૪માં આફ્રિદીને હટાવીને ફરી બાબર આઝમને કૅપ્ટન બનાવવામાં આવ્યો હતો.
T20 વર્લ્ડ કપ 2024માં નિરાશાજનક પ્રદર્શન બાદ બાબર આઝમ પર પદ છોડવાનું દબાણ હતું. બુધવારે મધ્યરાત્રિએ સોશ્યલ મીડિયા પર એક નિવેદન દ્વારા તેણે જાહેરાત કરી હતી કે તેણે ગયા મહિને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને ટીમ મૅનેજમેન્ટને તેની ઇચ્છા વિશે જાણ કરી હતી, તે હવે બૅટિંગ પર સંપૂર્ણ ધ્યાન આપવા માગે છે. તેના સ્થાને મોહમ્મદ રિઝવાનને કૅપ્ટન્સી મળી શકે છે જે પાકિસ્તાન માટે ત્રણેય ફૉર્મેટમાં રમી રહ્યો છે. અહેવાલો અનુસાર PCB ત્રણેય ફૉર્મેટમાં અલગ-અલગ કૅપ્ટન રાખવા પર વિચાર કરી રહ્યું છે જેથી કોઈ કૅપ્ટનને જવાબદારીનો વધુ ભાર ન લાગે.
પાકિસ્તાન સામે લિમિટેડ ઓવર્સની સિરીઝ રમશે કાંગારૂ ટીમ
ઑસ્ટ્રેલિયાની ટીમ બાવીસમી નવેમ્બરથી આયોજિત બૉર્ડર-ગાવસકર ટ્રોફી પહેલાં પાકિસ્તાન સામે પોતાની ધરતી પર ત્રણ-ત્રણ મૅચની T20 સિરીઝ અને વન-ડે સિરીઝ રમવાની છે. ચોથી નવેમ્બરથી ૧૮ નવેમ્બર વચ્ચે આ બન્ને સિરીઝ રમાશે. એ પહેલાં પાકિસ્તાનની ટીમ સાતથી ૨૮ ઑક્ટોબર વચ્ચે ઇંગ્લૅન્ડ સામે ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝ રમશે જેના માટે ઇંગ્લૅન્ડની ટીમ હાલમાં પાકિસ્તાનના મુલતાન પહોંચી છે.
બાબર આઝમનો કૅપ્ટન્સી રેકૉર્ડ
૮૫ T20 : ૪૮ જીત, ૨૯ હાર, ૧ ટાઇ, ૭ નો-રિઝલ્ટ
૪૩ વન-ડે : ૨૬ જીત, ૧૫ હાર, ૧ ટાઇ, ૧ નો-રિઝલ્ટ
૨૦ ટેસ્ટ : ૧૦ જીત, ૬ હાર, ૪ ટાઇ