ઑસ્ટ્રેલિયન પ્રાઇમ મિનિસ્ટરે રોહિત ઍન્ડ કંપની સાથે કરી મુલાકાત

29 November, 2024 11:43 AM IST  |  Canberra | Gujarati Mid-day Correspondent

કૅપ્ટન રોહિત શર્માએ ઑસ્ટ્રેલિયન સંસદમાં સ્પીચ આપતી વખતે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના સમૃદ્ધ ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો હતો

આૅસ્ટ્રેલિયન પ્રાઇમ મિનિસ્ટર સાથે ભારતીય ક્રિકેટ ટીમ

૩૦ નવેમ્બરથી કૅનબેરામાં રમાનારી બે દિવસની ડે-નાઇટ પ્રૅક્ટિસ-મૅચ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમે ઑસ્ટ્રેલિયન પ્રાઇમ મિનિસ્ટર સાથે મુલાકાત કરી હતી. ૬૧ વર્ષના પ્રાઇમ મિનિસ્ટર ઍન્થની ઍલ્બનીસે ભારતીય ટીમ સાથેની મુલાકાત દરમ્યાન પર્થ ટેસ્ટના હીરો જસપ્રીત બુમરાહ અને વિરાટ કોહલીને મળીને તેમનાં ભારે વખાણ કર્યાં હતાં.

કૅપ્ટન રોહિત શર્માએ ઑસ્ટ્રેલિયન સંસદમાં સ્પીચ આપતી વખતે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના સમૃદ્ધ ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો હતો જેમાં ક્રિકેટ પ્રત્યેના તેમના સહિયારા પ્રેમનો પણ સમાવેશ થાય છે.

ગઈ કાલે ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની ઍલ્બનીઝ સાથે ભારતીય કૅપ્ટન રોહિત શર્મા અને પ્રાઇમ મિનિસ્ટર્સ ઇલેવનનો કૅપ્ટન જૅક એડવર્ડ્‌સ

છઠ્ઠી ડિસેમ્બરે શરૂ થનારી ઍડીલેડની ડે-નાઇટ ટેસ્ટ-મૅચ પિન્ક બોલથી રમાશે. એની તૈયારીના ભાગરૂપે ભારતીય ટીમ પણ કાલથી પ્રાઇમ મિનિસ્ટરે પસંદ કરેલી ઑસ્ટ્રેલિયન પ્લેયર્સની ટીમ સામે કૅનબેરામાં પિન્ક બૉલથી પ્રૅક્ટિસ-મૅચ રમશે. 

વિરાટ કોહલીની સેન્ચુરી વિશે શું મસ્તી કરી પ્રાઇમ મિનિસ્ટરે?

આૅસ્ટ્રેલિયન પ્રાઇમ મિનિસ્ટરે જસપ્રીત બુમરાહ અને વિરાટ કોહલી સાથે જે વાતચીત કરી એનો વિડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. તેમણે સૌથી પહેલાં બુમરાહને સ્ટાર ગણાવી તેની બોલિંગ-ઍક્શનને સૌથી યુનિક કહી હતી. ત્યાર બાદ પર્થ ટેસ્ટમાં ૧૦૦ રનની અણનમ ઇનિંગ્સ રમનાર વિરાટ કોહલીની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે ‘પર્થમાં સરસ સેન્ચુરી... બ્લડી હેલ, જાણે એ સમયે અમે ઓછી મુસીબતમાં હતા.’ તેમની કમેન્ટનો જવાબ આપતાં કોહલીએ કહ્યું હતું કે ‘હંમેશાં થોડોક મસાલો ઉમેરવો જોઈએ.’ પ્રાઇમ મિનિસ્ટરે અંતે તેને પાકો ભારતીય ગણાવ્યો, કારણ કે ભારતીયોને મસાલેદાર ભોજન ગમે છે.

indian cricket team australia rohit sharma virat kohli mohammed siraj jasprit bumrah ravindra jadeja Rishabh Pant yashasvi jaiswal ravichandran ashwin kl rahul cricket news sports sports news