ઑસ્ટ્રેલિયાએ સોળ વર્ષે સપાટો બોલાવ્યો

30 December, 2022 04:28 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૨૦૦૬ પછી પહેલી વાર ઘરઆંગણે સાઉથ આફ્રિકાને સિરીઝમાં હરાવ્યું : એક દાવ અને ૧૮૨ રનથી મેળવ્યો વિજય : વૉર્નરને ૧૦૦મી ટેસ્ટમાં મૅચવિનરનો અવૉર્ડ

ઑસ્ટ્રેલિયાએ સિરીઝમાં ૨-૦થી વિજયી સરસાઈ મેળવી (તસવીર : એ.પી./પી.ટી.આઇ.)

અઠવાડિયા પહેલાં બ્રિસબેનમાં રમાયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટ લો-સ્કોરિંગ હતી છતાં એમાં સાઉથ આફ્રિકાએ જબ્બર લડત આપ્યા બાદ બીજા જ દિવસે ઑસ્ટ્રેલિયા સામે હાર સ્વીકારી લીધી હતી અને કાંગારૂઓનો ૬ વિકેટે વિજય થયો હતો, પરંતુ ગઈ કાલે મેલબર્નમાં છેક ચોથા દિવસે બૉક્સિંગ-ડે ટેસ્ટ પૂરી થઈ હતી જેમાં સાઉથ આફ્રિકાની એક દાવના પરાજયથી નામોશી થઈ હતી. ડીન એલ્ગરની ટીમ સામે પૅટ કમિન્સની ટીમે એક ઇનિંગ્સ અને ૧૮૨ રનથી વિજય મેળવ્યો હતો. કમિન્સની ટીમે ત્રણ મૅચની સિરીઝમાં ૨-૦થી વિજયી સરસાઈ મેળવી છે.

ઑસ્ટ્રેલિયાએ ૨૦૦૫-’૦૬ બાદ પહેલી વાર ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે સિરીઝ જીતી લીધી છે.

૧૦૦મી ટેસ્ટ રમનાર ડેવિડ વૉર્નરે (૨૦૦ રન, ૨૫૫ બૉલ, ૩૬૦ મિનિટ, બે સિક્સર, સોળ ફોર)ને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો છે.

ઑસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ૩૮૬ રનની સરસાઈ લીધી ત્યાર બાદ ગઈ કાલે સાઉથ આફ્રિકાની ટીમ બીજા દાવમાં ટેમ્બા બવુમા (૬૫ રન)ની હાફ સેન્ચુરી બાદ માત્ર ૨૦૪ રનમાં ઑલઆઉટ થઈ જતાં ઑસ્ટ્રેલિયાએ એક દિવસ બાકી રાખીને વિજય મેળવી લીધો હતો.

નૅથન લાયને ત્રણ અને સ્કૉટ બોલૅન્ડે બે વિકેટ લીધી હતી. ઑસ્ટ્રેલિયાને ગયા વર્ષની બૉક્સિંગ-ડે ટેસ્ટ બોલૅન્ડે જિતાડી આપી હતી.

sports sports news test cricket south africa australia