05 November, 2024 11:37 AM IST | Sydney | Gujarati Mid-day Correspondent
ઑસ્ટ્રેલિયાને જિતાડ્યા પછી સાથી ખેલાડી મિચલ સ્ટાર્ક સાથે પૅટ કમિન્સ
ગઈ કાલે મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં પહેલી મૅચ બે વિકેટે જીતીને ઑસ્ટ્રેલિયાએ ત્રણ વન-ડેની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી છે. ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી પાકિસ્તાનની ટીમ ૪૬.૪ ઓવરમાં ૨૦૩ રનમાં ઑલઆઉટ થઈ હતી. કૅપ્ટન પૅટ કમિન્સ (૩૨ રન)ની લડાયક ઇનિંગ્સને કારણે ઑસ્ટ્રેલિયાએ ૩૩.૩ ઓવરમાં એટલે કે ૯૯ બૉલ પહેલાં બે વિકેટે જીત મેળવી છે.
પાકિસ્તાન તરફથી કૅપ્ટન મોહમ્મદ રિઝવાને સૌથી વધુ ૪૪ રન બનાવ્યા હતા. નવમા નંબરે બૅટિંગ કરવા આવેલા નસીમ શાહે ૪૦ રન, જ્યારે ટીમમાં કમબૅક કરનાર ભૂતપૂર્વ કૅપ્ટન બાબર આઝમે ૩૭ રન બનાવ્યા હતા. T20 વર્લ્ડ કપ ૨૦૨૪ બાદ પોતાની પહેલી ઇન્ટરનૅશનલ મૅચ રમી રહેલા ફાસ્ટ બોલર પૅટ કમિન્સે ૩૩ રન આપી ૩ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો છે.
૨૦૪ રનના ટાર્ગેટનો પીછો કરતાં યજમાન ટીમે ૩.૬ ઓવરમાં ૨૮ રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી હતી. એ પછી જોશ ઇંગ્લિસ (૪૯ રન) અને સ્ટીવ સ્મિથ (૪૪ રન)ની શાનદાર ઇનિંગ્સ બાદ પાકિસ્તાની બોલર્સે મૅચમાં શાનદાર વાપસી કરી હતી. તેમણે ઑસ્ટ્રેલિયાનો સ્કોર ૧૬.૩થી ૨૫.૧ ઓવરમાં ૧૧૩/૩થી ૧૫૫/૭ વિકેટ કરી દીધો હતો. અહીંથી કૅપ્ટન પૅટ કમિન્સે આઠમી વિકેટ માટેની ૩૦ રન અને નવમી વિકેટ માટેની ૧૯ રનની પાર્ટનરશિપ કરીને ટીમને જીત અપાવી હતી. પાકિસ્તાન સામે હારિસ રઉફે સૌથી વધુ ત્રણ અને શાહીન શાહ આફ્રિદીએ બે વિકેટ ઝડપી હતી.
71
આટલી વન-ડે મૅચ પાકિસ્તાન સામે જીત્યું ઑસ્ટ્રેલિયા, પાકિસ્તાન સામે સૌથી વધુ વન-ડે જીતનાર વેસ્ટ ઇન્ડીઝની કરી બરાબરી.
ઑસ્ટ્રેલિયાની ધરતી પર ફાસ્ટેસ્ટ ૧૦૦ વન-ડે વિકેટ
ઑસ્ટ્રેલિયાની ધરતી પર સૌથી ઝડપી ૧૦૦ વિકેટ લેવાનો રેકૉર્ડ યજમાન ટીમના ઝડપી બોલર મિચલ સ્ટાર્ક (૫૪ ઇનિંગ્સ)ના નામે થયો છે. તેણે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લી (પંચાવન ઇનિંગ્સ)ની એક ઇનિંગ્સ પહેલાં આ સિદ્ધિ હાંસલ કરી છે. બ્રેટ લીએ સૌથી વધુ ૧૬૯ વન-ડે વિકેટ લીધી છે જ્યારે સ્ટાર્કના નામે ઘરઆંગણે ૧૦૨ વન-ડે વિકેટ થઈ છે.