04 December, 2024 10:10 AM IST | Perth | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન સ્ટીવ સ્મિથ પણ માર્નસ લબુશેન પછી ઇન્જર્ડ થયાે હતો.
પર્થ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહની આગેવાની હેઠળના બોલિંગ યુનિટના તોફાન સામે મોટા ભાગના ઑસ્ટ્રેલિયન બૅટર્સ ટકી શક્યા નહોતા. ઍડીલેડ ટેસ્ટ પહેલાં ભારતીય બોલિંગ આક્રમણના જોખમને ઘટાડવા માટે રન બનાવવા માટે સંઘર્ષ કરી રહેલા ઑસ્ટ્રેલિયન બૅટ્સમેનોને ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન વિકેટકીપર ઍડમ ગિલક્રિસ્ટે મહત્ત્વપૂર્ણ સલાહ-સૂચન આપ્યાં છે.
ગિલ્ક્રિસ્ટે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘માર્નસ લબુશેનને ક્રીઝ પર ટકી રહેવાની જવાબદારી લેવાની હતી અને તેણે ૫૦થી વધુ બૉલનો સામનો કરીને સારો પ્રયાસ કર્યો. જો તમે ટેસ્ટ-ઇનિંગ્સમાં ૫૦થી વધુ બૉલનો સામનો કરો છો તો તમે સાચી દિશામાં આગળ વધી રહ્યા છો. તે રન બનાવવાનો રસ્તો શોધી શક્યો નહોતો અને કદાચ ઑસ્ટ્રેલિયાના તમામ પ્લેયર્સ હવે સામૂહિક રીતે ક્રીઝ પર લાંબા સમય સુધી ટકી રહેવાનો પ્રયાસ કરવા માગશે. આનાથી જોખમ ઊભું થશે, પરંતુ જોખમ ઉઠાવીને જ તમે સફળ થઈ શકો છો.’
૫૩ વર્ષના ગિલક્રિસ્ટે માર્નસ લબુશેનને એક કુશળ બૅટર ગણાવ્યો છે.
પર્થ ટેસ્ટમાં ફેલ રહેલા ઑસ્ટ્રેલિયાના મિડલ ઑર્ડર બૅટર્સ સ્ટીવ સ્મિથ અને માર્નસ લબુશેન ગઈ કાલે ઍડીલેડ ટેસ્ટ માટે સખત પ્રૅક્ટિસ કરી રહ્યા હતા પણ એ દરમ્યાન સ્મિથને હાથમાં અને લબુશેનને પેટના ભાગે બૉલ વાગ્યો હતો. દુખાવાના કારણે બન્નેએ થોડા સમય માટે પ્રૅક્ટિસમાંથી બ્રેક લીધો હતો.