ઑસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે મૅચ અને વન-ડે સિરીઝ બંને જીતી

11 February, 2024 09:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરસાદને કારણે ડકવર્થ લુઇસ મેથડથી સાઉથ આફ્રિકા સામે ત્રીજી વન-ડેમાં વિજય મેળવ્યો

પ્રતીકાત્મક તસવીર

સિડનીના નૉર્થ ઓવલ મેદાન પર ઑસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકા સામે ત્રણ વન-ડે મૅચની સિરીઝ ૨-૧થી જીતી લીધી છે. સિરીઝની પહેલી વન-ડે મૅચ ઑસ્ટ્રેલિયાના નામે રહી હતી. સાઉથ આફ્રિકાએ બીજી મૅચમાં કમબૅક કરતાં પહેલી વાર વન-ડે ક્રિકેટમાં ઑસ્ટ્રેલિયાને હરાવ્યું હતું, પરંતુ આજે રમાયેલી સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મૅચમાં ઑસ્ટ્રેલિયાએ એકતરફી મૅચમાં જીત મેળવી સિરીઝ ૨-૧થી પોતાના નામે કરી હતી. વરસાદના વિઘ્નને કારણે ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમે ડક વર્થ લુઇસ (ડીએલએસ) નિયમ પ્રમાણે સાઉથ આફ્રિકાને ૧૧૦ રનથી મહાત આપી હતી.

ઑસ્ટ્રેલિયાની સુકાની અલીઝા હીલીએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગ પસંદ કરી હતી. ઓપનર ફિબી લિચફીલ્ડ પાંચ રન બનાવીને આઉટ થઈ હતી, તો સુકાની અલીઝા હિલીએ શાનદાર ૬૦ રન કર્યા હતા. ઍલિસ પેરીએ ૨૪ રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું, પણ મિડલ ઑર્ડરમાં બેથ મુનીએ અણનમ ૮૨ રન બનાવ્યા હતા. તાહિલા મૅકગ્રાથે તેને સુંદર સાથ આપ્યો હતો અને ૩૫ બૉલમાં ૪૪ રન બનાવ્યા હતા. આમ ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમે ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૭૭ રન કર્યા હતા અને મુશ્કેલ લક્ષ્યાંક આફ્રિકા ટીમ માટે મૂક્યો હતો. આફ્રિકા તરફથી માતાબાતાએ સૌથી વધુ ૪ વિકેટ લીધી હતી.

જવાબમાં મેદાનમાં ઊતરેલી સાઉથ આફ્રિકાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પહેલી ૧૦ ઓવરમાં જ મહત્ત્વની બે વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ વરસાદ વિલન બનતાં મૅચ અટકાવવી પડી હતી. આ સમયે સાઉથ આફ્રિકાનો સ્કોર ૧૪ ઓવરમાં ૪ વિકેટે ૬૩ રન હતો. વરસાદને કારણે ડક વર્થ લુઇસના નિયમ પ્રમાણે આફ્રિકાને જીતવા માટે ૨૩૮ રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ આફ્રિકાની ટીમ ૧૨૭ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ઑસ્ટ્રેલિયા તરફથી એલાના કિંગે સૌથી વધુ ૪ વિકેટ લીધી હતી.

sports news sports cricket news australia south africa