પ્રથમ ટી૨૦માં વેસ્ટ ઇન્ડીઝ સામે ઑસ્ટ્રેલિયાની ૧૧ રનથી જીત

10 February, 2024 09:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડેવિડ વૉર્નર ઉપરાંત જૉશ ઇંગ્લિસ અને ટિમ ડેવિડ જેવા બૅટ્સમેનોએ નાનું પરંતુ ઉપયોગી યોગદાન આપ્યું હતું

ડેવિડ વૉર્નર

ટેસ્ટ અને વન-ડે સિરીઝ બાદ ઑસ્ટ્રેલિયા-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ટી૨૦ સિરીઝ શરૂ થઈ છે. ઑસ્ટ્રેલિયાએ પ્રથમ ટી૨૦માં વેસ્ટ ઇન્ડીઝને ૧૧ રને હરાવ્યું હતું. વેસ્ટ ઇન્ડીઝે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પ્રથમ બૅટિંગ કરવા આવેલા ઑસ્ટ્રેલિયાએ ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૨૧૩ રન બનાવ્યા હતા. ટીમ માટે ઓપનિંગ કરવા આવેલા ડેવિડ વૉર્નરે ૩૬ બૉલમાં ૧૨ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૭૦ રનની શાનદાર ઇનિંગ રમી હતી. વૉર્નરની આ ૧૦૦મી ટી૨૦ આંતરરાષ્ટ્રીય મૅચ હતી. ડેવિડ વૉર્નર ઉપરાંત જૉશ ઇંગ્લિસ અને ટિમ ડેવિડ જેવા બૅટ્સમેનોએ નાનું પરંતુ ઉપયોગી યોગદાન આપ્યું હતું. જૉશ ઇંગ્લિસે પચીસ બૉલમાં ૩૯ રન બનાવ્યા હતા. ડેવિડ વૉર્નર અને જૉશ ઇંગ્લિસ વચ્ચે ૮ ઓવરમાં ૯૩ રનની પાર્ટનરશિપ થઈ હતી. છેલ્લી ઓવરોમાં ટિમ ડેવિડે ૧૭ બૉલમાં ૩૭ રન બનાવ્યા હતા. ટિમ ડેવિડે પોતાની ઇનિંગમાં ૩ ફોર અને ૨ સિક્સર ફટકારી હતી. વેસ્ટ ઇન્ડીઝ તરફથી આન્દ્રે રસેલે ૩ વિકેટ ઝડપી હતી. અલઝારી જોસેફે ૨ વિકેટ લીધી હતી. જેસન હોલ્ડર અને રોમારિયો શેફર્ડને ૧-૧ સફળતા મળી હતી.

ત્યાર બાદ વેસ્ટ ઇન્ડીઝે લક્ષ્યનો પીછો કરતી વખતે ખૂબ જ સારી શરૂઆત કરી. ઓપનિંગમાં આવેલા જૉન્સન ચાર્લ્સ અને બ્રેન્ડન કિંગે પ્રથમ વિકેટ માટે ૮૯ની ઝડપી પાર્ટનરશિપ કરી હતી, પરંતુ આ પછી બૅટિંગ કરવા આવેલા કૅરિબિયન બૅટ્સમેનો એ લય જાળવી શક્યા નહોતા. અંતે નવમા નંબરે રમતા જેસન હોલ્ડરે કાંગારૂઓના શ્વાસ અધ્ધર કર્યા, પણ ત્યાં સુધી ઘણુ મોડું થઈ ચૂક્યું હતું. મૅચના અંત સુધીમાં વેસ્ટ ઇન્ડીઝ ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૨૦૨ રન બનાવી શકી હતી. ત્રણ મૅચની ટી૨૦ સિરીઝમાં ઑસ્ટ્રેલિયા ૧-૦થી આગળ છે.

ત્રણેય ફૉર્મેટમાં ૧૦૦ મૅચ રમનાર પહેલો ઑસ્ટ્રેલિયન બન્યો વૉર્નર

૧૦૦મી ટી૨૦ મૅચમાં ડેવિડ વૉર્નરે તોફાની બૅટિંગનું પ્રદર્શન કર્યું હતું. ડેવિડ વૉર્નરે ૨૨ બૉલમાં ૫૦ રનના આંકડાને સ્પર્શ કર્યો હતો. દિગ્ગજ કાંગારૂ ઓપનરે ૩૬ બૉલમાં ૭૦ રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં ૧૨ ફોર અને ૧ સિક્સર ફટકારી હતી. ડેવિડ વૉર્નરે એક મોટો રેકૉર્ડ પોતાના નામે કરી લીધો છે. ડેવિડ વૉર્નર ત્રણેય ફૉર્મેટમાં પોતાની ૧૦૦મી મૅચમાં ૫૦ રનનો આંકડો સ્પર્શનાર પ્રથમ બૅટ્સમૅન બની ગયો છે. આજ સુધી ક્રિકેટના ઇતિહાસમાં અન્ય કોઈ બૅટ્સમૅન આ સિદ્ધિ મેળવી શક્યો નથી. ડેવિડ વૉર્નરે પોતાની ૧૦૦મી ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી. આ પછી તેણે પોતાની ૧૦૦મી વનડેમાં સદી ફટકારી હતી. હવે તેણે તેની ૧૦૦મી ઇન્ટરનૅશનલ ટી૨૦માં ૫૦ રનનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો છે. ઇતિહાસ રચ્યા બાદ ડેવિડ વૉર્નરે કહ્યું કે તે આ વર્ષના ટી૨૦ વર્લ્ડ કપ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે. ડેવિડ વૉર્નર પહેલાં જ વન-ડે અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે.

sports news sports cricket news david warner austria west indies