26 December, 2022 01:46 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ડેવિડ વૉર્નર ગઈ કાલે મેલબર્નમાં પરિવાર સાથે આવ્યો હતો અને ટીમ-પ્રૅક્ટિસના બ્રેકના સમયે પત્ની કૅન્ડિસ અને ત્રણમાંની બે પુત્રીઓ સાથે ક્રિકેટ રમ્યો હતો. તસવીર એ.એફ.પી.
આજે બૉક્સિંગ-ડેના અવસરે મેલબર્નમાં શરૂ થઈ રહેલી સિરીઝની બીજી ટેસ્ટ (સવારે ૫.૦૦ વાગ્યાથી)માં ઑસ્ટ્રેલિયાને જીતીને ૨-૦થી વિજયી સરસાઈ મેળવી લેવાનો મોકો છે, તો સાઉથ આફ્રિકાને વિજય પ્રાપ્ત કરીને ૧-૧ની બરાબરીમાં આવવાની તક છે. જોકે ડેવિડ વૉર્નર આજથી ૧૦૦મી યાદગાર ટેસ્ટ રમવાનો છે હોવાથી ઑસ્ટ્રેલિયાની ટીમમાં ફાસ્ટ બોલર ગયા વર્ષના બૉક્સિંગ ડેએ ઇંગ્લૅન્ડ સામે અપાવેલા વિજયને કારણે બૉક્સિંગ ડે હીરો તરીકે જાણીતો છે તેની હાજરી સાઉથ આફ્રિકાને બહુ ખૂંચશે.
૩૩ વર્ષના રાઇટ-આર્મ ફાસ્ટ બોલર બોલૅન્ડે ડિસેમ્બર ૨૦૨૧ની બૉક્સિંગ ડે ટેસ્ટમાં કુલ ૭ વિકેટ લીધી હતી. તેની એ કરીઅરની પહેલી જ ટેસ્ટ હતી અને એક વર્ષમાં તેણે પાંચ ટેસ્ટમાં પચીસ વિકેટ લીધી છે.
કૅપ્ટન પૅટ કમિન્સે ગઈ કાલે કહ્યું હતું કે ગયા અઠવાડિયે બ્રિસબેનના ગૅબાના ગ્રાઉન્ડ પર માત્ર દોઢ દિવસમાં સાઉથ આફ્રિકાને હરાવનાર ટીમ જ બીજી ટેસ્ટમાં રમવા મેદાનમાં ઊતરશે.
વૉર્નર માટે આજે યાદગાર દિવસ છે. તે ડિસેમ્બર ૨૦૧૧માં કરીઅરની પ્રથમ ટેસ્ટ બ્રિસબેનમાં ન્યુ ઝીલૅન્ડ સામે રમ્યો હતો, જેના પહેલા દાવમાં ત્રણ રને આઉટ થયા પછી બીજા દાવમાં ૧૨ રને અણનમ રહ્યો હતો. માઇકલ ક્લાર્ક ત્યારે ઑસ્ટ્રેલિયાનો અને રૉસ ટેલર ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન હતો.
વૉર્નરની કરીઅરના મૅજિક ફિગર્સ
(૧) ડેવિડ વૉર્નરે ગઈ કાલ પહેલાંની ૯૯ ટેસ્ટમાં ૪૫.૫૨ની સરેરાશે કુલ ૧૧,૧૨૮ બૉલમાં ૭૯૨૨ રન બનાવ્યા હતા, જેમાં ૨૪ સેન્ચુરી અને ૩૪ હાફ સેન્ચુરીનો સમાવેશ હતો.
(૨) ટેસ્ટ-ક્રિકેટમાં તેણે કુલ ૯૩૯ ફોર અને ૬૨ સિક્સર ફટકારી છે.
(૩) અણનમ ૩૩૫ રન તેનો હાઇએસ્ટ ટેસ્ટ-સ્કોર છે.
(૪) તેને ગઈ કાલ સુધી ૮૦૦૦ ટેસ્ટ-રન પૂરા કરવામાં માત્ર ૭૮ રનની જરૂર હતી.
(૫) તે ૨૪ ટેસ્ટ-સદી ફટકારીને લેજન્ડરી ઓપનરોની હરોળમાં આવ્યો છે. તેના ઉપરાંત બીજા માત્ર ચાર ઓપનર્સની ૨૪ કે વધુ ટેસ્ટ-સેન્ચુરી છે : સુનીલ ગાવસકર (૩૩), ઍલસ્ટર કુક (૩૧), મૅથ્યુ હેડન (૩) અને ગ્રેમ સ્મિથ (૨૭).