19 December, 2022 12:43 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગૅબાના ગ્રાઉન્ડ પર ગઈ કાલે બીજા જ દિવસે ટેસ્ટ પૂરી થઈ ગયા પછી પુત્રી સાથે લટાર મારવા નીકળેલો ડેવિડ વૉર્નર. તસવીર એ.એફ.પી.
તાજેતરમાં રાવલપિંડીમાં પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચેની પાંચ દિવસ સુધી ચાલેલી હાઇ-સ્કોરિંગ ટેસ્ટ બાદ આઇસીસીએ પિચને ‘બિલો-ઍવરેજ’નું સર્ટિફિકેટ આપ્યું હતું, પરંતુ ગઈ કાલે બ્રિસબેનમાં જે બની ગયું એના પરથી ક્રિકેટજગતમાં પિચની બાબતમાં લાંબા સમય સુધી ચર્ચા ચાલશે.
બ્રિસબેનમાં ગૅબાના મેદાન પર ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની સિરીઝની પહેલી ટેસ્ટ ફક્ત દોઢ દિવસમાં પૂરી થઈ ગઈ હતી. આખી મૅચમાં કુલ ૮૬૬ બૉલ ફેંકાયા હતા અને બીજા વિશ્વયુદ્ધ પછી રમાયેલી ટેસ્ટ-મૅચોમાં આ બીજા નંબરની સૌથી ટૂંકી ટેસ્ટ બની રહી હતી. ફેબ્રુઆરી ૨૦૨૧માં અમદાવાદમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ટેસ્ટ બીજા દિવસે પૂરી થઈ ગઈ હતી અને એમાં કુલ ૮૪૨ બૉલ ફેંકાયા હતા. ભારતે એ ટેસ્ટ ૧૦ વિકેટે જીતી લીધી હતી.
ઑસ્ટ્રેલિયામાં બીજા જ દિવસે પૂરી થઈ ગઈ હોય એવી આ બીજી જ ટેસ્ટ છે. ૧૯૩૧માં ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ટેસ્ટ કાંગારૂઓના એક દાવ અને ૧૨૨ રનના માર્જિનવાળા વિજય સાથે બીજા દિવસે પૂરી થઈ ગઈ હતી.
ગઈ કાલે પૂરી થયેલી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાના ૧૫૨ રનના જવાબમાં પૅટ કમિન્સના સુકાનમાં ઑસ્ટ્રેલિયાએ ૨૧૮ રન બનાવીને ૬૬ રનની લીડ લીધી હતી. ડીન એલ્ગરની ટીમ બીજી ઇનિંગ્સમાં કમિન્સની પાંચ વિકેટને કારણે માત્ર ૯૯ રનમાં આઉટ થઈ જતાં ઑસ્ટ્રેલિયાને ૩૪ રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે એણે ૪ વિકેટના ભોગે મેળવી લીધો હતો. કમિન્સની ટીમે ત્રણ મૅચની સિરીઝમાં ૧-૦થી સરસાઈ મેળવી લીધી છે.
ટૂંકમાં, બે દિવસ દરમ્યાનના ૬ સેશનમાં કુલ ૩૪ વિકેટ પડી હતી. પ્રથમ દાવમાં ૯૨ રન બનાવનાર ટ્રેવિસ હેડને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
ગૅબાની પિચ હતી ડેન્જરસ : ખુદ પૉન્ટિંગ-હેડને ટીકા કરી, પરંતુ ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન કમિન્સે પિચને સારી ગણાવી
બ્રિસબેનમાં ગૅબાના ગ્રાઉન્ડ પર ગઈ કાલે ફક્ત દોઢ દિવસમાં ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ટેસ્ટ પૂરી થઈ જતાં ટેસ્ટ-ક્રિકેટની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. સાઉથ આફ્રિકાના કૅપ્ટન ડીન એલ્ગરે આ પિચને ડેન્જરસ ગણાવી હતી, જ્યારે ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ રિકી પૉન્ટિંગ અને મૅથ્યુ હેડને પણ પિચ વિશે ટીકાનો વરસાદ વરસાવ્યો હતો. એલ્ગરે કહ્યું કે ‘શનિવારના પહેલા દિવસથી જ પિચ ખરાબ થઈ રહી હતી, એ સાવ સૂકી થઈ ગઈ હતી અને રવિવારે એના પર સમસ્યા વધી હતી.’ જોકે ખુદ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સે ગૅબાની પિચને સારી ગણાવતાં કહ્યું હતું કે ‘આ પિચ અનસેફ કે ડેન્જરસ નહોતી જ.’