પાકિસ્તાન નવા કૅપ્ટન સાથે કાંગારૂઓને એની જ ધરતી પર પડકાર આપવા તૈયાર

04 November, 2024 10:41 AM IST  |  Australia | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાની ધરતી પર છેલ્લે ૨૦૦૨માં વન-ડે સિરીઝ જીત્યું હતું પાકિસ્તાન

વન-ડે સિરીઝ પહેલાં મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક અને શાહીન શાહ આફ્રિદીએ લીધો સેલ્ફી.

બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારતને પડકાર આપતાં પહેલાં ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સે પાકિસ્તાનના પડકારનો સામનો કરવો પડશે. લિમિડેટ ઓવરના ફૉર્મેટના નવા કૅપ્ટન મોહમ્મદ રિઝવાનની આગેવાનીમાં પાકિસ્તાનની ટીમ આજથી કાંગારૂ ટીમને ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં પડકાર આપશે.

ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝની છેલ્લી બે મૅચમાં ડ્રૉપ થયેલા બાબર આઝમ, શાહીન શાહ આફ્રિદી અને નસીમ શાહ આ મૅચથી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં વાપસી કરશે. ટીમના બોલિંગ આક્રમણમાં હરિસ રઉફ અને મોહમ્મદ હસનૈનનો સમાવેશ થાય છે.

પાકિસ્તાનની ટીમ ઑસ્ટ્રેલિયા સામે છેલ્લી ૧૩ વન-ડે મૅચમાંથી બે જ મૅચ જીતી શકી છે. પાકિસ્તાની ટીમ ઑસ્ટ્રેલિયાની ધરતી પર છેલ્લે ૨૦૦૨માં ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં ૨-૧થી જીત મેળવવામાં સફળ થઈ હતી. ત્યાર બાદ આ ટીમે ઑસ્ટ્રેલિયામાં ૨૦૦૯-’૧૦માં ૫-૦થી અને ૨૦૧૬-’૧૭માં ૪-૧થી પાંચ-પાંચ મૅચની વન-ડે સિરીઝ ગુમાવી છે. આજે પહેલી વન-ડેનું આયોજન મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં છે જેમાં ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામે ૧૪માંથી ૧૦ વન-ડે મૅચ જીતી છે, જ્યારે ચાર મૅચમાં હાર મળી છે.

વન-ડેનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ
કુલ મૅચ - ૧૦૮
ઑસ્ટ્રેલિયાની જીત - ૭૦
પાકિસ્તાનની જીત - ૩૪
નો રિઝલ્ટ - ૦૩
ટાઇ - ૦૧

ભારતીય સમય અનુસાર સવારે ૯ વાગ્યે શરૂ થશે પહેલી મૅચ, સ્ટાર સ્પોર્ટ્‍સ નેટવર્ક પર જોઈ શકાશે.

australia pakistan pat cummins babar azam border-gavaskar trophy test cricket cricket news sports sports news