17 November, 2024 09:24 AM IST | Sydney | Gujarati Mid-day Correspondent
પાંચ વિકેટ ઝડપી સ્પેન્સર જૉન્સન બન્યો પ્લેયર ઑફ ધ મૅચ.
ગઈ કાલે સિડનીમાં પાકિસ્તાનને બીજી મૅચમાં ૧૩ રને હરાવીને ઑસ્ટ્રેલિયાએ ત્રણ મૅચની T20 સિરીઝમાં ૨-૦થી અજેય લીડ મેળવી લીધી છે. ટૉસ જીતીને બૅટિંગ કરવા ઊતરેલી ઑસ્ટ્રેલિયન ટીમે ૯ વિકેટ ગુમાવીને ૧૪૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો જેની સામે પાકિસ્તાની ટીમ ૧૯.૪ ઓવરમાં ૧૩૪ રને ઑલઆઉટ થઈ હતી. પાકિસ્તાન સામે ઑસ્ટ્રેલિયાની આ સતત છઠ્ઠી જીત હતી. નવા કૅપ્ટન જોશ ઇંગ્લિસની આગેવાની હેઠળ ઑસ્ટ્રેલિયા સોમવારે હોબાર્ટમાં ક્લીન સ્વીપ કરવા પર નજર રાખશે. આ પહેલાં પાકિસ્તાને કાંગારૂ સામે ૨-૧થી વન-ડે સિરીઝ જીતી હતી.
ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર સ્પેન્સર જૉન્સને કરીઅરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં ૨૬ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. હારિસ રઉફે આ મૅચમાં ચાર વિકેટ ઝડપીને આ ફૉર્મેટમાં સૌથી વધુ ૧૦૭ વિકેટ લેનાર પાકિસ્તાની બોલર શાદાબ ખાનની બરાબરી કરી છે. T20 ઇન્ટરનૅશનલમાં બીજી વાર પાકિસ્તાનના ચાર બૅટર્સ ખાતું ખોલાવ્યા વગર પૅવિલિયન ભેગા થયા છે. આ પહેલાં ૨૦૧૩માં સાઉથ આફ્રિકા સામે પણ પાકિસ્તાનના આવા હાલ થયા હતા.