12 December, 2024 09:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્મૃતિ માન્ધના
ઑસ્ટ્રેલિયાની વિમેન્સ ક્રિકેટ ટીમે ગઈ કાલે ભારતીય ટીમ સામે ત્રણ મૅચની વન-ડે સિરીઝ ક્લીન સ્વીપ કરી હતી. આ સાથે જ આ ટીમે ભારત સામે ક્યારેય વન-ડે સિરીઝ ન હારવાનો રેકૉર્ડ જાળવી રાખ્યો છે. ગઈ કાલે પર્થના વેસ્ટ ઑસ્ટ્રેલિયન ક્રિકેટ અસોસિએશન ગ્રાઉન્ડ પર ત્રીજી વન-ડેમાં ૬ વિકેટ ગુમાવીને ઑસ્ટ્રેલિયાએ ૨૯૮ રન ફટકાર્યા હતા. ૨૯૯ રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ ૪૫.૧ ઓવરમાં ૨૧૫ રન બનાવીને ઑલઆઉટ થઈ હતી. ત્રીજી વન-ડે ૮૩ રને જીતનાર ઑસ્ટ્રેલિયન ટીમે પહેલી વન-ડેમાં પાંચ વિકેટે અને બીજી વન-ડેમાં ૧૨૨ રને જીત મેળવી હતી.
ભારતીય ફાસ્ટ બોલર અરુંધતી રેડ્ડીએ (૨૬ રનમાં ચાર વિકેટ) કરીઅરની સર્વશ્રેષ્ઠ બોલિંગ કરીને એક સમયે ઑસ્ટ્રેલિયાનો સ્કોર ૭૮/૪ કરી દીધો હતો, પરંતુ ઑલરાઉન્ડર ઍનાબેલ સધરલૅન્ડ (૯૫ બૉલમાં ૧૧૦ રન)ની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી યજમાન ટીમ મોટો સ્કોર બનાવવામાં સફળ રહી હતી. ભારતીય ઓપનર સ્મૃતિ માન્ધનાએ ૧૦૯ બૉલમાં ૧૦૫ રનની શાનદાર ઇનિંગ્સ રમીને જીતની આશા જીવંત રાખી પણ ઑસ્ટ્રેલિયન ઑફ સ્પિનર ઍશલી ગાર્ડનરે ૩૦ રનમાં પાંચ વિકેટ લઈને ભારતીય ટીમને ધરાશાયી કરી દીધી હતી.
150- વન-ડે રમનાર પહેલી ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર બની એલિસ પેરી, ઓવરઑલ દુનિયાની આઠમી મહિલા ક્રિકેટર બની.
એક વર્ષમાં ચાર વન-ડે સેન્ચુરી ફટકારનાર સ્મૃતિ માન્ધના પહેલી મહિલા ક્રિકેટર ભારતીય ઓપનર સ્મૃતિ માન્ધનાએ ગઈ કાલે ૧૦૯ બૉલમાં ૧૪ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૦૫ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. આ સાથે જ તે વિમેન્સ વન-ડે ક્રિકેટના એક કૅલેન્ડર યરમાં ચાર સેન્ચુરી ફટકારનાર દુનિયાની પહેલી મહિલા ક્રિકેટર બની છે. દુનિયાની ૭ મહિલા પ્લેયર એક વર્ષમાં ત્રણ વન-ડે સેન્ચુરી ફટકારવામાં સફળ રહી છે. માન્ધનાએ જૂન મહિનામાં સાઉથ આફ્રિકા સામે બૅન્ગલોરમાં બે અને ઑક્ટોબરમાં ન્યુ ઝીલૅન્ડ સામે અમદાવાદમાં એક વન-ડે સેન્ચુરી નોંધાવી હતી. તેની આ નવમી વન-ડે સેન્ચુરી હતી.
સ્મૃતિ માન્ધનાની આ વર્ષની વન-ડે સેન્ચુરી
૧૬ જૂન : સાઉથ આફ્રિકા સામે ૧૧૭ રન
૧૯ જૂન : સાઉથ આફ્રિકા સામે ૧૩૬ રન
૨૯ ઑક્ટોબર : ન્યુ ઝીલૅન્ડ સામે ૧૦૦ રન
૧૧ ડિસેમ્બર : ઑસ્ટ્રેલિયા સામે ૧૦૫ રન