25 September, 2023 03:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ચાર વિકેટ લેનાર પૂજા વસ્ત્રાકર (તસવીર : twitter.com)
ચીનના હાન્ગજો શહેરમાં ગઈ કાલે એશિયન ગેમ્સમાં મહિલાઓની ટી૨૦ સેમી ફાઇનલમાં ભારતે બંગલાદેશને ૭૦ બૉલ બાકી રાખીને ૮ વિકેટના માર્જિનથી કચડીને પહેલી વાર આ સ્પર્ધાની ફાઇનલમાં એન્ટ્રી કરી હતી, જેમાં આજે ભારતનો મુકાબલો શ્રીલંકા સાથે થશે. એ સાથે, ભારતીય મહિલા ક્રિકેટર્સ ઐતિહાસિક ગોલ્ડ અથવા સિલ્વર મેડલની ખૂબ નજીક પહોંચી ગઈ છે.
વિમેન્સમાં પણ પાકિસ્તાન સેમી હાર્યું
તાજેતરના મેન્સ એશિયા કપમાં જેમ શ્રીલંકાએ સેમી ફાઇનલ સમાન રોમાંચક મુકાબલામાં પાકિસ્તાનને હરાવીને ભારત સામેની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો એમ ગઈ કાલે એશિયન ગેમ્સની શ્રીલંકા સામેની ટી૨૦માં પણ પાકિસ્તાનની ટીમ હારી જતાં શ્રીલંકન મહિલાઓએ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. શ્રીલંકાની લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર ઉદેશિકા પ્રબોધનીની ત્રણ અને ઑફ સ્પિનર કવિશા દિલહારીની બે વિકેટને કારણે પાકિસ્તાનની ટીમ ૯ વિકેટે ૭૫ રન બનાવી શકી હતી અને શ્રીલંકાએ ૧૬.૩ ઓવરમાં ૪ વિકેટે ૭૭ રન બનાવી લીધા હતા.
વસ્ત્રાકરને નસીબે ચમકાવી
મિડિયમ પેસ બોલર પૂજા વસ્ત્રાકર (૪-૦-૧૭-૪) આ મૅચની સુપરસ્ટાર હતી. તેના ચાર વિકેટના આ કરીઅર-બેસ્ટ પર્ફોર્મન્સને લીધે જ ગઈ કાલે બંગલાદેશની ટીમ ૧૭.૫ ઓવરમાં માત્ર ૫૧ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી. તિતાસ સિધુ, અમનજોત કૌર, રાજેશ્વરી ગાયકવાડ અને દેવિકા વૈદ્યએ એક-એક વિકેટ લીધી હતી. સ્મૃતિ મંધાનાના સુકાનમાં ભારતીય ટીમે ૮.૨ ઓવરમાં બે વિકેટે બાવન રન બનાવીને વિજય મેળવ્યો હતો. ખુદ મંધાના ૭ રન બનાવી શકી હતી, પરંતુ જેમાઇમા રૉડ્રિગ્સે અણનમ ૨૦ રનનું અને શેફાલી વર્માએ ૧૭ રનનું યોગદાન આપ્યું હતું.
પૂજા વસ્ત્રાકર એશિયન ગેમ્સ માટેની મુખ્ય ટીમમાં નહોતી. તેને માત્ર નૉન-ટ્રાવેલિંગ રિઝર્વ ખેલાડી તરીકે સ્ક્વૉડમાં સમાવવામાં આવી હતી. તેણે ગઈ કાલે આ સેમી ફાઇનલ ઘરમાં બેસીને ટીવી પર જોઈ હોત, પરંતુ બૅન્ગલોરના કૅમ્પમાં પ્રૅક્ટિસ કર્યા બાદ ભારતીય ટીમ બીજા દિવસે રવાના થવાની હતી અને એમાં વસ્ત્રાકરનો સમાવેશ નહોતો, પરંતુ અંજલિ સરવાની છેલ્લી ઘડીએ ઈજા પામતાં વસ્ત્રાકરને ઇન્દોર ઘરભેગા થવાને બદલે ચીનના હાન્ગજો શહેરની ફ્લાઇટમાં બેસવા કહેવામાં આવ્યું હતું અને ગઈ કાલે તેણે ‘સુપર સબ’ની ભૂમિકામાં પરચો બતાવ્યો હતો. ગઈ કાલે બંગલાદેશની પહેલી ત્રણેય વિકેટ વસ્ત્રાકરે લીધી હતી. તેણે ખાસ કરીને ઓપનર શમીમા સુલતાના (૦) અને રિતુ મોની (૮)ની વિકેટ લીધી હતી. બંગલાદેશની એક જ બૅટર ડબલ ડિજિટમાં રન બનાવી શકી હતી.
હરમનપ્રીતનું આજે આગમન
હરમનપ્રીત કૌર ભારતીય ટીમની મુખ્ય કૅપ્ટન છે. થોડા મહિના પહેલાં તેણે બંગલાદેશ સામેની મૅચમાં પોતાને આઉટ આપવામાં આવ્યા બાદ બંગલાદેશી અમ્પાયરિંગની આકરી અને ખુલ્લેઆમ ટીકા કરી તેમ જ જાહેરમાં ગુસ્સો વ્યક્ત કર્યો એને પગલે તેના પર બે મૅચનો બૅન મુકાયો હતો. એ પ્રતિબંધ પૂરો થતાં તે આજની ફાઇનલમાં રમી શકશે. ટૂંકમાં, ભારતીય ટીમ કૅપ્ટન હરમનપ્રીત વગર પણ ફાઇનલમાં પહોંચી ગઈ હતી.