ટ્રૅપ શૂટિંગમાં પુરુષોને ગોલ્ડ, તો મહિલાઓએ મેળવ્યો સિલ્વર

02 October, 2023 04:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વ્યક્તિગત સ્પર્ધામાં કિનાન ચેન્નઈ જીત્યો બ્રૉન્ઝ, શૂટિંગમાં ભારત જીત્યું કુલ ૨૨ મેડલ

ગોલ્ડ મેડલ જીતનાર પૃથ્વીરાજ તોન્ડાઇમન, ઝોરાવર સિંહ સંધુ અને કિનાન ચેન્નઈ

એશિયન ગેમ્સમાં શૂટિંગ સ્પર્ધાના છેલ્લા દિવસે મેન્સ ટ્રૅપ શૂટિ‍‍ંગમાં ભારતીય ટીમે ગોલ્ડ જીતીને આ દિવસને યાદગાર બનાવ્યો હતો, તો કિનાન ચેન્નઈ વ્યક્તિગત સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો અને વિમેન્સ ટીમ સિલ્વર મેડલ જીતી હતી. સ્પર્ધાના છેલ્લા દિવસે ટ્રૅપ શૂટિંગમાં ત્રણ મેડલ સાથે ભારતીય શૂટર્સ કુલ ૨૨ મેડલ જીત્યા છે; જેમાં ૭ ગોલ્ડ, ૯ સિલ્વર અને ૬ બ્રૉન્ઝનો સમાવેશ છે. આ સાથે ભારતનો આ શૂટિંગમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ દેખાવ છે. પુરુષો અને મહિલાઓની ટીમે મેડલ જીત્યા બાદ તમામની નજર ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશેલા ત્રણ ખેલાડીઓ પર હતી. કિનાન ચેન્નઈ ૪૦માંથી ૩૨ પૉઇન્ટ મેળવીને બ્રૉન્ઝ જીત્યો હતો. અનુભવી શૂટર ઝોરાવર સિંહ ફરી એક વાર વ્યક્તિગત મેડલ જીતી શક્યો નહોતો. મહિલાઓની વ્યક્તિગત સ્પર્ધામાં મનીષા કીરે ૨૫માંથી ૧૬ પૉઇન્ટ મેળવીને છઠ્ઠું અને છેલ્લું સ્થાન મેળવ્યું હતું.

પુરુષોની ટીમના પૃથ્વીરાજ તોન્ડાઇમન, કિનાન ચેન્નઈ અને ઝોરાવર સિંહ સંધુ ગોલ્ડ મેડલ જીત્યો હતો. પુરુષોમાં ભારતીય ટીમે કુલ ૩૬૧નો સ્કોર કર્યો હતો. સિલ્વર મેડલ જીતનાર કુવૈતના ખાલેદ અલમુધફ અને તલાલ અલરાશિદી તથા અબ્દુલરહેમાન અલફૈહાન ૩૫૯, અને યજમાન ચીનના યુહાઓ ગુઓ, યિંગ કિવ અને યુહાઓ વાન્ગે ૩૫૪ પૉઇન્ટ મેળવ્યા હતા, તો ચીનની મહિલા કરતાં પાછળ રહેલી ભારતીય મહિલા ટીમે કુલ ૩૩૭નો સ્કોર કર્યો હતો; જેમાં મનીષા કીર, પ્રીત રજક અને રાજેશ્વરી કુમારીનો સમાવેશ છે. ચીનની મહિલાઓ કિગ્નિયાન લી, કુઇકુઇ વુ અને ઝિંક્વિઉ ઝાન્ગે કુલ ૩૫૭નો સ્કોર કરીને ગોલ્ડ જીતી હતી, જે વર્લ્ડ રેકૉર્ડ છે.

asian games sports sports news