29 August, 2023 02:58 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
એશિયા કપ
આવતી કાલે શરૂ થઈ રહેલી એશિયા કપ વન-ડે ટુર્નામેન્ટ એટલે ઑક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાનારા ઓડીઆઇ વર્લ્ડ કપનું રિહર્સલ. યજમાનપદની બાબતમાં ઘણાં અઠવાડિયાં સુધી વિવાદ ચાલ્યા બાદ છેવટે આવતી કાલે મુલતાનમાં પાકિસ્તાન-નેપાલ વચ્ચેની મૅચ સાથે આ બહુચર્ચિત ટુર્નામેન્ટ શરૂ થઈ રહી છે.
પાકિસ્તાન મુખ્ય યજમાન છે, પરંતુ ખેલાડીઓની અસલામતીના મુદ્દે ત્યાં ભારતે ટીમ મોકલવાની ચોખ્ખી ના પાડતાં માત્ર ૬ સપ્ટેમ્બર સુધી જ પાકિસ્તાનની ધરતી યજમાન બની રહેશે. ત્યાર પછી બધી મૅચો શ્રીલંકામાં રમાશે. હા, ૬ સપ્ટેમ્બર પહેલાં ભારત અને પાકિસ્તાનની ટીમ શ્રીલંકાના પલ્લેકેલમાં ભેગી થશે જ્યાં બીજી સપ્ટેમ્બરે તેમની વચ્ચે હાઈ-વૉલ્ટેજ મુકાબલો થશે.
ભારત-શ્રીલંકા વચ્ચે ૮ ફાઇનલ થઈ છે
ભારત-પાકિસ્તાનની ટક્કરની વાત નીકળી જ છે તો ખાસ કહી દેવાનું કે આ બે કટ્ટર દેશ વચ્ચે ક્યારેય એશિયા કપની ફાઇનલ રમાઈ નથી. ૧૫માંથી મોટા ભાગની (૮) ફાઇનલ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ છે. ૧૫ એશિયા કપમાંથી માત્ર બે એશિયા કપ સ્પર્ધા ટી૨૦ ફૉર્મેટમાં થઈ છે. ૨૦૧૬માં ભારત અને ૨૦૨૨માં શ્રીલંકા ચૅમ્પિયન બન્યું હતું. વન-ડેનો એશિયા કપ છેલ્લે ૨૦૧૮માં યુએઈમાં યોજાયો હતો જેમાં બંગલાદેશને હરાવીને ભારત વિજેતા થયું હતું.
ત્રણ જોરદાર ટક્કર શક્ય છે
આ વખતના વિશ્વકપમાં સૌથી પહેલાં બીજી સપ્ટેમ્બરે લીગ મૅચમાં ટકરાયા પછી સુપર-ફોર રાઉન્ડમાં તેમની વચ્ચે ૧૦ સપ્ટેમ્બરે અને પછી ૧૭ સપ્ટેમ્બરની ફાઇનલમાં ફરી મુકાબલો થઈ શકે.
એશિયા કપની દરેક મૅચનું જીવંત પ્રસારણ બપોરે ૩.૦૦ વાગ્યાથી