આવતી કાલે ભારત-પાકિસ્તાનનો મહાજંગ

01 September, 2023 11:49 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રાહુલની ગેરહાજરીમાં કિશનને મોકો મળી શકે.

ઈશાન કિશન-રોહિત શર્મા

આવતી કાલે શ્રીલંકામાં કૅન્ડીના પલ્લેકેલમાં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ ક્રિકેટના મહાસંગ્રામ માટે મેદાન પર ઊતરશે. રોહિત શર્મા અને બાબર આઝમ વચ્ચેની ટીમમાં અનેક સ્ટાર પ્લેયર્સ અને અનેક મૅચવિનર્સ હોવાથી બન્ને દેશને જીતવાનો સારો મોકો છે. આ એશિયા કપમાં બન્ને દેશ વચ્ચે કુલ ત્રણ મુકાબલા થવાની સંભાવના છે અને એમાંનો પ્રથમ જંગ આવતી કાલે થશે. જો વરસાદ મજા નહીં બગાડે તો બન્ને ટીમ ‘પૈસા વસૂલ’ જેવા પર્ફોર્મન્સ આપવા કોઈ કસર બાકી નહીં રાખે.

બાબર સે બચકે રહના

પાકિસ્તાને બુધવારે નેપાલને ૧૦૪ રનમાં આઉટ કરીને ૨૩૮ રનના તોતિંગ માર્જિનથી જિતાડ્યું તેમ જ એ મૅચમાં કૅપ્ટન બાબર આઝમે ૧૫૧ રનની બેનમૂન ઇનિંગ્સથી જે પરચો બતાવ્યો એના પરથી ભારતીય બોલર્સે તેને અંકુશમાં રાખવા ખાસ યોજના બનાવવી પડશે. બાબર અને ઇફ્તિખાર અહમદ (૧૦૯ અણનમ) વચ્ચે પાંચમી વિકેટ માટે ૨૧૪ રનની ભાગીદારી થઈ હતી. બોલિંગમાં શાહીન શાહ આફ્રિદી પણ બહુ સારા ફૉર્મમાં છે એટલે રોહિત ઍન્ડ કંપનીએ તેની સામે ખાસ સાવધ રહેવું પડશે.

કિશનને મોકો, બૅટિંગક્રમમાં મોટા ફેરફાર થવાની સંભાવના

કે. એલ. રાહુલ ઈજામુક્ત થવા છતાં હજી પૂરેપૂરો ફિટ ન થયો હોવાથી પહેલી બે મૅચમાં (પાકિસ્તાન અને નેપાલ સામે) નહીં રમે એટલે વિકેટકીપર-બૅટર ઈશાન કિશનને મોકો મળી શકે છે. તેણે તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝમાં શુભમન ગિલ સાથે સફળ પ્રારંભ (૩ મૅચમાં ૧૮૪ રન) કર્યા હતા, પરંતુ કૅપ્ટન રોહિત શર્મા ઓપનિંગમાં રમશે એટલે ટીમ મૅનેજમેન્ટે કિશનને યોગ્ય ક્રમે ફિટ કરવો પડશે. જો કિશનને રોહિત સાથે ઓપનિંગમાં મોકલવામાં આવશે તો ગિલને નીચેના કોઈ નંબર પર રમવાનું કહેવામાં આવશે. વિરાટ તેમ જ હાર્દિક, શ્રેયસ પણ બૅટિંગ-ઑર્ડરમાં હોવાથી સૂર્યકુમાર યાદવે કદાચ રાહ જોવી પડશે. તિલક વર્મા પણ રેસમાં છે. 

જોકે કિશનને વનડાઉનમાં અને કોહલીને ચોથા નંબરે મોકલવાનું પણ કદાચ વિચારાશે. સંજુ સૅમસન રિઝર્વ પ્લેયર તરીકે ટીમમાં છે.

asia cup india pakistan rohit sharma cricket news indian cricket team sports news sports