શ્રીલંકાને લંકા પ્રીમિયર લીગની પિચ પરનો અનુભવ કામ લાગ્યો

01 September, 2023 12:04 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

એશિયા કપમાં ૬૬ બૉલ બાકી રાખીને બંગલાદેશને પાંચ વિકેટે હરાવ્યું

પથિરાનાએ ૩૨ રનમાં ચાર તેમ જ થીકશાનાએ બે વિકેટ લીધી હતી.

શ્રીલંકાએ ગઈ કાલે કૅન્ડીના પલ્લેકેલમાં બંગલાદેશને ૬૬ બૉલ રાખીને પાંચ વિકેટના માર્જિનથી હરાવીને બે પૉઇન્ટ મેળવી લીધા હતા. દાસુન શનાકાની ટીમ પાકિસ્તાનની જેમ બે પૉઇન્ટ ધરાવે છે. પાકિસ્તાનના ૪.૭૬૦ના રનરેટ સામે શ્રીલંકાનો રનરેટ બહુ નીચો (૦.૯૫૧) છે. જોકે બન્ને ટીમ અલગ ગ્રુપમાં છે.

પલ્લેકેલમાં તાજેતરમાં શ્રીલંકાના મોટા ભાગના ખેલાડીઓ લંકા પ્રીમિયર લીગમાં રમ્યા હતા એટલે તેઓ એશિયા કપ માટેની પિચથી ઘણા પરિચિત છે. ગઈ કાલે બંગલાદેશને હરાવ્યા પછી શ્રીલંકાના કૅપ્ટન દાસુન શનાકાએ કહ્યું કે ‘બંગલાદેશે બૅટિંગ લીધા પછી ૧૬૪ રન બનાવ્યા હતા, પરંતુ અમે આ પિચ પર થોડા જ દિવસ પહેલાં લંકા પ્રીમિયર લીગની મૅચો રમ્યા છીએ એટલે મને થયું કે આ પિચ પર આનાથી પણ વધુ રન થઈ શકે. જોકે અમારા બોલર્સે તેમને કાબૂમાં રાખ્યા હતા. પથિરાનાએ બહુ સારી બોલિંગ કરી અને સદીરાની ફીલ્ડિંગ કાબિલેદાદ હતી.’ 

બંગલાદેશે નજમુલ શૅન્ટોના ૮૯ રનની મદદથી ૪૨.૪ ઓવરમાં ૧૬૪ રન બનાવ્યા હતા. પથિરાનાએ ૩૨ રનમાં ચાર તેમ જ થીકશાનાએ બે વિકેટ લીધી હતી. શ્રીલંકાએ ચરિથ અસલાન્કા (૬૨ અણનમ, ૯૨ બૉલ, એક સિક્સર, પાંચ ફોર) અને સદીરા સમરવિક્રમા (૫૪ રન, ૭૭ બૉલ, છ ફોર)ની મોટી ભાગીદારીની મદદથી ૩૯ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૫ રન બનાવીને વિજય મેળવ્યો હતો. પથિરાનાને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.

62
વન-ડેમાં શાકિબના આટલા ફિફ્ટી-પ્લસ સ્કોર્સ થયા છે અને એ સાથે તેણે તમીમ ઇકબાલનો બંગલાદેશી વિક્રમ તોડ્યો છે.

asia cup bangladesh sri lanka pakistan cricket news sports news sports