કોવિડગ્રસ્ત લંકા પ્રીમિયર લીગની રનર-અપના બે મૂલ્યવાન પ્લેયર પર સૌની નજર

28 August, 2023 03:33 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અવિષ્કા ફર્નાન્ડો અને કુસાલ પરેરાના પૉઝિટિવ રિપોર્ટે એશિયા કપ વિશે સૌને ચિંતામાં મૂક્યા : બન્ને બૅટર્સનું દામ્બુલા ઑરાને રનર-અપ બનાવવામાં મોટું યોગદાન હતું

અવિષ્કા ફર્નાન્ડો

બુધવાર, ૩૦ ઑગસ્ટે શરૂ થનારી એશિયા કપ વન-ડે ટુર્નામેન્ટ માટેના અડધા યજમાન શ્રીલંકાના બે મહત્ત્વના બૅટર્સ અવિષ્કા ફર્નાન્ડો અને કુસાલ પરેરાના બે દિવસ પહેલાં કોવિડને લગતા ચેક-અપમાં પૉઝિટિવ રિપોર્ટ આવતાં સૌકોઈ ચિંતામાં મુકાઈ ગયા છે. હવે કોરોનાની મહામારી તો નથી, પણ તેમને આ બીમારી તાજેતરમાં પૂરી થયેલી લંકા પ્રીમિયર લીગમાંથી આવી હોવાના અહેવાલ બહાર આવતાં આ ચિંતા વધી ગઈ છે, કારણ કે એ લીગના ઘણા ખેલાડીઓ એશિયા કપમાં રમશે. બીજું, ભારતની તમામ મૅચો શ્રીલંકામાં રમાવાની હોવાથી ભારતના ક્રિકેટ મોવડીઓ અને કરોડો ક્રિકેટરસિયાઓને ચિંતા થાય એ સ્વાભાવિક છે.

ફાઇનલ પછી તરત રિપોર્ટ આવ્યો
ફર્નાન્ડો અને પરેરા લંકા પ્રીમિયર લીગમાં દામ્બુલા ઑરા ટીમમાં હતા. આ ટીમ ફાઇનલમાં ઍન્જેલો મૅથ્યુઝની કૅપ્ટન્સીવાળી બી-લવ કૅન્ડી ટીમ સામે ફાઇનલમાં હતી. ટુર્નામેન્ટનો એક બૉલ બાકી હતો ત્યારે કૅન્ડી ટીમ જીત મેળવીને ચૅમ્પિયન બની હતી. જોકે દામ્બુલા ઑરાને રનર-અપ બનાવવામાં ફર્નાન્ડો અને પરેરાનાં મોટાં યોગદાન હતાં. કુસાલ મેન્ડિસ આ ટીમનો સુકાની હતો. ટુર્નામેન્ટમાં દામ્બુલાના તમામ બૅટર્સમાં ફર્નાન્ડોના ૨૪૪ રન હાઇએસ્ટ અને પરેરાના ૨૧૦ રન ફૉર્થ-હાઇએસ્ટ હતા. ૨૦ ઑગસ્ટની લંકા લીગની ફાઇનલ બાદ પાંચમા દિવસે ફર્નાન્ડો-પરેરાનો કોવિડ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.

ચમીરા એશિયા કપની બહાર
પરેરા અને ફર્નાન્ડો શ્રીલંકાની ટીમમાં કમબૅક કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેઓ કોરોના વાઇરસની ઝપટમાં આવી જતાં હવે તેઓ કેટલા જલદી સાજા થાય છે એના પર ટીમનો આધાર છે, કારણ કે લંકા પ્રીમિયર લીગમાં સૌથી વધુ ૨૭૯ રન બનાવવા ઉપરાંત હાઇએસ્ટ ૧૯ વિકેટ લેનાર સ્પિનિંગ-ઑલરાઉન્ડર વનિન્દુ હસરંગા સાથળની ઈજાને લીધે એશિયા કપની શરૂઆતની કેટલીક મૅચોમાં નહીં રમે. ફાસ્ટ બોલર ચમીરા ખભાની ઈજાને કારણે એશિયા કપની બહાર થઈ ગયો છે.

asia cup sri lanka coronavirus covid19 sports sports news cricket news