કિ‍ંગ કોહલીના ફાસ્ટેસ્ટ ૧૩,૦૦૦ રન: ભારત જીત્યું

12 September, 2023 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સચિને ૩૨૧ ઇનિંગ્સમાં આટલા રન પૂરા કર્યા, કોહલીને માત્ર ૨૬૭ દાવની જરૂર પડી, કુલદીપનો પાંચ વિકેટનો તરખાટ

વિરાટ કોહલી

ભારતે ગઈ કાલે કોલંબોમાં પાકિસ્તાનને સુપર-ફોરના મુકાબલામાં ૨૨૮ રનના વિક્રમી માર્જિનથી હરાવ્યું હતું. પાકિસ્તાન ૩૫૭ રનના લક્ષ્યાંક સામે ૩૨ ઓવરમાં ૮ વિકેટે ૧૨૮ રન બનાવી શક્યું હતું. ઈજાને કારણે રઉફે તથા નસીમ શાહે બૅટિંગ નહોતી કરી. કુલદીપ યાદવે પચીસ રનમાં પાંચ વિકેટ તેમ જ બુમરાહ, શાર્દૂલ, હાર્દિકે અેક-અેક વિકેટ લીધી હતી.
આજે (બપોરે ૩.૦૦ વાગ્યાથી) ભારતનો શ્રીલંકા સામે કોલંબોમાં જ મુકાબલો છે.

વિરાટ કોહલી (૧૨૨ અણનમ, ૯૪ બૉલ, ત્રણ સિક્સર, ૯ ફોર)ની કોઈ પણ સેન્ચુરી સ્પેશ્યલ કહેવાય, પરંતુ ગઈ કાલે તેણે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે કરેલી સદી સુપર-સ્પેશ્યલ કહેવાશે. કોલંબોમાં તેણે એશિયા કપની સુપર-ફોર રાઉન્ડની વરસાદગ્રસ્ત વન-ડેમાં જબરદસ્ત ફટકાબાજી કરીને પાકિસ્તાનની ટીમનો જુસ્સો તોડી નાખ્યો હતો, બોલર્સની ઍનૅલિસિસ બગાડી નાખી હતી તેમ જ ખાસ કરીને તો તેણે કેટલાક વિક્રમો પણ રચ્યા હતા.

કોહલીના અત્યારે ૧૩,૦૨૪ રન છે. તે ગઈ કાલે ૧૩,૦૦૦ રન બનાવનાર ફાસ્ટેસ્ટ બૅટર બન્યો હતો. તેણે આટલા રન ૨૬૭ ઇનિંગ્સમાં પૂરા કર્યા છે. તેણે ક્રિકેટિંગ ગૉડ સચિન તેન્ડુલકરનો વિક્રમ તોડ્યો છે. સચિને ૧૩,૦૦૦ રન ૩૨૧ ઇનિંગ્સમાં બનાવ્યા હતા. કોહલી ૧૩,૦૦૦ રન પૂરા કરનાર વિશ્વનો ત્રીજો બૅટર છે.
સચિનની ૪૯ સદીથી બે ડગલાં દૂર
કોહલી હવે સચિનની વિક્રમજનક ૪૯ વન-ડે સેન્ચુરીથી માત્ર બે ડગલાં દૂર છે. ગઈ કાલે કોહલીએ ૪૭મી સદી ફટકારી હતી. વન-ડે ક્રિકેટમાં કોહલીના હવે પૉન્ટિંગ જેટલા જ ૧૧૨ ફિફ્ટી-પ્લસ સ્કોર છે.

રાહુલ-કોહલીની વિક્રમી ભાગીદારી
ભારતે ગઈ કાલે રિઝર્વ ડેએ ૧૪૭/૨ના સ્કોર સાથે ૨૪.૨ ઓવરથી ફરી રમવાનું શરૂ કર્યું હતું અને નિર્ધારિત ૫૦ ઓવરમાં બે વિકેટે ૩૫૬ રન બનાવ્યા હતા. કોહલીએ કે. એલ. રાહુલ (૧૧૧ અણનમ, ૧૦૬ બૉલ, બે સિક્સર, બાર ફોર) સાથે ત્રીજી વિકેટ માટે અણનમ ૨૩૩ રનની ભાગીદારી કરી હતી. એશિયા કપમાં આ કોઈ પણ વિકેટ માટેની હાઇએસ્ટ પાર્ટનરશિપ છે. એટલું જ નહીં, પાકિસ્તાન સામેની વન-ડે મૅચોમાં ભારત વતી બનેલી કોઈ પણ વિકેટ માટેની આ સૌથી મોટી ભાગીદારી છે.

છમાંથી બે બોલરને મળી વિકેટ
પાકિસ્તાનના છમાંથી માત્ર બોલરને અેક-અેક વિકેટ મળી હતી. આફ્રિદીઅે રવિવારે ગિલની અને શાદાબ ખાને રોહિતની વિકેટ લીધી હતી. આફ્રિદીની બોલિંગમાં સૌથી વધુ ૭૯ રન બન્યા હતા, જ્યારે ફહીમ અશરફની બોલિંગમાં ૭૪ રન અને શાદાબની બોલિંગમાં ૭૧ રન બન્યા હતા. સૌથી અસરકારક બોલર નસીમ શાહને ૫૩ રનમાં, ઇફ્તિખારને બાવન રનમાં અને ગઈ કાલે ઈજાને કારણે ન રમી શકેલા રઉફને ૨૭ રનમાં વિકેટ નહોતી મળી.

sports news cricket news asia cup colombo virat kohli indian cricket team