10 September, 2023 02:41 PM IST | Colombo | Gujarati Mid-day Correspondent
બુમરાહ, ઇશાન કિશન તેમ જ કે એલ રાહુલ
આજે કોલંબોમાં રમાનારી એશિયા કપની સુપર-4 મૅચમાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે ત્યારે લોકેશ રાહુલ અને ઈશાન કિશન વચ્ચે કોની પસંદગી કરવી એ ભારતીય ટીમ મૅનેજમેન્ટ માટે મુશ્કેલ વિષય હશે. ભારતીય ટીમ મૅનેજમેન્ટ પાકિસ્તાન સામે પોતાની શ્રેષ્ઠ ટીમ ઉતારવા માગશે. વળી આ મૅચમાં રાખવામાં આવેલા રિઝર્વ ડેનો વિવાદ પણ ચગ્યો છે. રાહુલની વાપસીને કારણે ખેલાડીઓની પસંદગી થોડી મુશ્કેલ બની છે. જોકે આ એક સારી નિશાની છે. ઈશાન કિશને છેલ્લા એક મહિનાથી તમામ લોકોને પ્રભાવિત કર્યા છે. તેણે ચાર મૅચમાં ચાર ફિફ્ટી ફટકારી છે. એમાં ત્રણ વેસ્ટ ઇન્ડીઝ સામે અને એક પાકિસ્તાન સામે છે. દરમ્યાન વેસ્ટ ઇન્ડીઝ સામે તે ઓપનિંગમાં પાકિસ્તાન સામે પાંચમા ક્રમાંકે બૅટિંગ માટે આવ્યો હતો. વળી તે લેફ્ટ હૅન્ડર હોવાથી બૅટિંગ લાઇનઅપમાં થોડી વિવિધતા પણ લાવે છે. જોકે એમ છતાં લોકેશ રાહુલના દાવાને અવગણી ન શકાય.
બોલિંગ-આક્રમણ
ભારતે પણ ફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે પાકિસ્તાનના આક્રમક બોલિંગ-આક્રમણનો સામનો કરવો પડશે. કૅપ્ટન રોહિત શર્માએ શાહીન શાહ આફ્રિદીના બૉલથી સાવચેત રહેશે. હારીસ રઉફ પણ આફ્રિદીના પડછાયામાંથી બહાર આવ્યો છે. નસીમ શાહે પણ ૭ વિકેટ લીધી છે, જે હરીફ ટીમના બૅટર્સને કોઈ પણ છૂટછાટ આપતો નથી. જોકે ભારત પાસે પણ જવાબમાં પૂરતો દારૂગોળો છે. નેપાલ સામેની લીગ મૅચ છોડનાર જસપ્રીત બુમરાહ પણ ટીમ સાથે જોડાઈ ગયો છે.
શ્રીલંકામાં રમવાનો લાભ
પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમે કહ્યું કે અમારી ટીમ જુલાઈની ટેસ્ટ સિરીઝ બાદ શ્રીલંકામાં રમી રહી છે. અમે પાકિસ્તાન અને શ્રીલંકામાં સતત ક્રિકેટ રમ્યા છીએ. એનો ફાયદો અમને મળશે.
અન્ય ટીમો સામે જેટલું રમીએ છીએ એટલું અમે પાકિસ્તાન સામે નથી રમતા. તેમની પાસે સારા બોલર્સ છે. વળી વધુ મૅચો ન રમવાને કારણે થોડી મુશ્કેલી પડે છે. - શુભમન ગિલ, ભારતીય બૅટર
અન્યોની સરખામણીમાં મારા પર દબાણ વધારે : હાર્દિક
હાર્દિક પંડ્યાના મતે સ્પેશ્યલિસ્ટ બૅટર કે બોલર કરતાં ઑલરાઉન્ડર પર દબાણ બમણું, તો ક્યારેક ત્રણ ગણું હોય છે. સ્ટાર સ્પોર્ટ્સને આપેલા ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું કે ‘ઑલરાઉન્ડર પર ભારણ વધારે હોય. જો ટીમ પહેલાં બૅટિંગ કરે તો બૅટર પર પોતાની બૅટિંગ પૂરી થાય એ પછી કોઈ દબાણ હોતું નથી, પરંતુ ઑલરાઉન્ડરે ત્યાર બાદ બોલિંગ પણ કરવાની હોય છે. એથી મૅચ પહેલાં યોજાનારી ટ્રેઇનિંગ અથવા પ્રી-કૅમ્પ સીઝન દરમ્યાન પૂરતી તૈયારી કરવાની હોય છે. વન-ડે ટીમના વાઇસ કૅપ્ટને કહ્યું કે મૅચની પરિસ્થિતિ મુજબ ૧૦ ઓવર નાખવી કે નહીં એ નક્કી કરવાનું હોય છે. ઉચ્ચ સ્તરે સફળતા મેળવવા માટે આત્મવિશ્વાસ સૌથી વધુ મહત્ત્વનો હોય છે.