06 February, 2023 02:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઍન્ડ્રિયા હ્યુઇટ અને વિનોદ કાંબળી
બાંદરા પોલીસ સ્ટેશનમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબળી વિરુદ્ધ તેની પત્ની ઍન્ડ્રિયા હ્યુઇટે ફરિયાદ નોંધાવી છે, જેમાંના આક્ષેપોને આધારે કાંબળી વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઇઆર) નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવાયા મુજબ શુક્રવારે કાંબળીએ નશાની હાલતમાં ઍન્ડ્રિયા તરફ કુકિંગ-પૅનનું હૅન્ડલ ફેંક્યું હતું જે તેને માથામાં વાગ્યું હતું અને માથાની ઈજાનું તેણે ભાભા હૉસ્પિટલમાં મેડિકલ ચેક-અપ કરાવ્યું હતું.
બે કલમ હેઠળ ગુનો નોંધાયો
કાંબળીએ ઘરમાં બપોરે બનેલી આ ઘટનામાં ઍન્ડ્રિયાને ગાળો પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. પોલીસે કાંબળી વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૨૪ અને કલમ ૫૦૪ હેઠળ ગુનો નોંધ્યો છે. આ બે કલમ અનુક્રમે નુકસાન પહોંચાડી શકે એવા હથિયારથી ઈજા પહોંચાડવા અને ઉશ્કેરણીજનક ભાષા વાપરીને અપમાન કરવા સંબંધિત છે.
પુત્રનું પણ ન માન્યો
કહેવાય છે કે આ ઘટના દરમ્યાન કાંબળી-ઍન્ડ્રિયાનો ૧૨ વર્ષનો પુત્ર જીસસ ક્રિસ્ટિયાનો પણ ઘરમાં જ હતો અને કાંબળીને સમજાવી રહ્યો હતો, પરંતુ કાંબળી ગુસ્સામાં કિચનમાં દોડી ગયો અને કુકિંગ-પૅનનું હૅન્ડલ લાવીને ઍન્ડ્રિયા પર ફેંક્યું હતું તેમ જ પછીથી બૅટ પણ ઉગામ્યું હતું. કાંબળીએ પુત્રને પણ ગાળ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. જોકે ઍન્ડ્રિયાએ પછીથી પોલીસને જણાવ્યું હતું કે આ બનાવનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે.