કોવિડકાળ પહેલાંનું અધૂરું સપનું વિમેન ઇન બ્લુને હવે પૂરું જ કરવું છે

04 February, 2023 02:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માર્ચ ૨૦૨૦માં ઑસ્ટ્રેલિયા સામેની ટી૨૦ વિશ્વકપની ફાઇનલની ભારતની હાર પછી કોરોનાએ આખા વિશ્વને ભરડામાં લીધેલું : ૧૦ ફેબ્રુઆરીથી શરૂ થાય છે નવો વર્લ્ડ કપ

વિમેન ટી૨૦માં ભારતીય ટીમ ચોથા રૅન્ક પર છે. ઑસ્ટ્રેલિયા નંબર-વન, ઇંગ્લૅન્ડ નંબર-ટૂ અને ન્યુ ઝીલૅન્ડ નંબર-થ્રી છે. તાજેતરની ટી૨૦ ટ્રાયેન્ગ્યુલરમાં દીપ્તિ ૯ વિકેટ સાથે મોખરે હતી, જ્યારે હરમનપ્રીત ૧૦૯ રન સાથે બીજા નંબર પર રહી હતી. (તસવીર : બીસીસીઆઇ/વિમેન ટ‍્વિટર)

૨૦૨૦ની ૮ માર્ચે મેલબર્નમાં ૮૬,૧૭૪ પ્રેક્ષકોવાળા એમસીજીના ગ્રાઉન્ડ પર હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીને યજમાન ઑસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમે ૧૮૫ રનના ટાર્ગેટ સામે માત્ર ૯૯ રનમાં ઑલઆઉટ કરીને ટ્રોફી જીતી લીધી એ સાથે ભારતની ઘણી ખેલાડીઓ આઘાતમાં રડી પડી હતી અને ભારતીય મહિલા ક્રિકેટને પહેલી વાર આઇસીસી ટ્રોફી અપાવવાનું તેમનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. એ મૅચ પછી કોવિડકાળ શરૂ થઈ ગયો હતો અને મહિનાઓ સુધી ક્રિકેટ મૅચ નહોતી રમાઈ.

ગયા અઠવાડિયે સાઉથ આફ્રિકામાં સૌપ્રથમ ગર્લ્સ અન્ડર-19 ટી૨૦ વર્લ્ડ કપમાં શેફાલી વર્માના સુકાનમાં ભારતે ઐતિહાસિક ટ્રોફી જીતી લીધી અને હવે દેશના કરોડો ક્રિકેટપ્રેમીઓને ટી૨૦ની ટ્રોફી અપાવવાની જવાબદારી ભારતની સિનિયર વિમેન્સ ટીમની છે.

શેફાલી, રિચા ફરી ચૅમ્પિયન બનશે?

આગામી શુક્રવારે ૧૦ ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકામાં વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે જેમાં ૧૦ ટીમ ભાગ લઈ રહી છે. ઑસ્ટ્રેલિયા ફરી ચૅમ્પિયન બનવા માટે ફેવરિટ છે, પરંતુ અન્ડર-19 વર્લ્ડ કપની ટ્રોફી જીતી લાવનાર ઓપનર શેફાલી વર્મા તથા વિકેટકીપર રિચા ઘોષ સિનિયર ટીમમાં પણ છે અને તેમની મદદથી અને ખાસ કરીને વાઇસ કૅપ્ટન સ્મૃતિ મંધાના, કૅપ્ટન હરમનપ્રીત, જેમાઇમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા તેમ જ ફાસ્ટ બોલર રેણુકા સિંહના સુપર પર્ફોર્મન્સથી ભારત પણ ચૅમ્પિયન બનવાનું દાવેદાર છે.

ભારતની પહેલી મૅચ પાકિસ્તાન સામે

આ વર્લ્ડ કપમાં ભારતની પહેલી મૅચ રવિવાર ૧૨ ફેબ્રુઆરીએ કેપ ટાઉનમાં પાકિસ્તાન સામે (સાંજે ૬.૩૦ વાગ્યાથી) રમાશે. ગ્રુપ ‘બી’માં ભારતની એ પછીની લીગ મૅચ વેસ્ટ ઇન્ડીઝ, ઇંગ્લૅન્ડ અને આયરલૅન્ડ સામે રમાશે. ગ્રુપ ‘એ’માં ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને બંગલાદેશ છે. દરેક ટીમ પોતાના ગ્રુપમાં ચાર લીગ મૅચ રમશે, બન્ને ગ્રુપની ટોચની બે ટીમ સેમી ફાઇનલમાં જશે. ૨૬ ફેબ્રુઆરીની ફાઇનલ માટે ૨૭મીએ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.

3
હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ટીમ ટ્રાયેન્ગ્યુલરમાં આટલી મૅચ સુધી વિજયી રહ્યા બાદ ગુરુવારની ફાઇનલમાં પાંચ વિકેટે ખરાબ રીતે હારી ગઈ હતી.

"અમે ગુરુવારે સાઉથ આફ્રિકા સામેની ટ્રાય-સિરીઝની ફાઇનલ હારી ગયાં એનાથી નિરાશ છીએ, પરંતુ એ સિરીઝમાંથી અમને જે પૉઝિટિવ્સ મળ્યાં એને અમે યાદ રાખીશું અને વર્લ્ડ કપમાં એને ફૉલો કરીશું." :દીપ્તિ શર્મા

sports sports news cricket news indian womens cricket team