ઑલરાઉન્ડર સુનીલ નારાયણનો મોસ્ટ વૅલ્યુએબલ પ્લેયરનો અવૉર્ડ પાકો છે

26 May, 2024 07:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

IPLની ૨૦૧૭ અને ૨૦૧૮ની સીઝનમાં પણ તે સૌથી મૂલ્યવાન ખેલાડી સાબિત થયો હતો

સુનીલ નારાયણ

મૅચ દરમ્યાન કોઈ ખેલાડી ઑલરાઉન્ડ પ્રદર્શન કરીને રાતોરાત હીરો બની જતો હોય છે, પણ જ્યારે એક ખેલાડી સતત આવું જ શાનદાર પ્રદર્શન જાળવી રાખે ત્યારે તે ટીમ માટે મોસ્ટ વૅલ્યુએબલ બનતો હોય છે. વેસ્ટ ઇન્ડીઝનો ઑલરાઉન્ડર સુનીલ નારાયણ દર વર્ષની જેમ આ વર્ષે પણ કોલકાતા નાઇટ રાઇડર્સ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ૪૩૧.૫ પૉઇન્ટ સાથે વર્તમાન સીઝનમાં સુનીલ નારાયણ મોસ્ટ વૅલ્યુએબલ પ્લેયરનો અવૉર્ડ જીતવાની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યો છે.

વિરાટ કોહલી ૩૧૫.૫ પૉઇન્ટ સાથે આ લિસ્ટમાં બીજા ક્રમે છે અને હવે તેના પૉઇન્ટ વધવાના નથી. સુનીલ નારાયણે હમણાં સુધીની ૧૪ મૅચમાં ૧૬ વિકેટ લેવાની સાથે ૧૧૮ ડૉટ બૉલ નાખ્યા છે. તેણે બૅટિંગ દરમ્યાન ૫૦  ચોગ્ગા અને ૩૨ સિક્સરની મદદથી ૪૮૨ રન ફટકાર્યા છે, જેમાં ૧ સેન્ચુરી અને ૩ ફિફ્ટી પણ સામેલ છે. ફીલ્ડિંગ દરમ્યાન તેણે ૩ રનઆઉટ કરવાની સાથે ૭ કૅચ પકડીને ટીમની જીતમાં યોગદાન આપ્યું હતું. ૨૦૧૭ અને ૨૦૧૮ની સીઝનમાં પણ સુનીલ નારાયણ સીઝનનો સૌથી મૂલ્યવાન ખેલાડી સાબિત થયો હતો. આ રેસમાં સુનીલ નારાયણને પછાડવા માટે ટ્રૅવિસ હેડ અને અભિષેક શર્માએ આજે બૅટ, બૉલ અને ફીલ્ડિંગ વિભાગમાં અકલ્પનીય અને ઐતિહાસિક પ્રદર્શન કરવું પડશે. 

પહલી બાર ૪૦૦ પાર
IPLની વેબસાઇટ પર મોસ્ટ વૅલ્યુએબલ પ્લેયર વિશે જોઈએ તો ૨૦૧૭ની સીઝનથી ઑલરાઉન્ડ પ્રદર્શન માટે આ અવૉર્ડ અપાય છે. વર્તમાન સીઝનમાં સુનીલ નારાયણના અત્યાર સુધી ૪૩૧.૫ પૉઇન્ટ થયા છે, પણ આ પહેલાં કોઈએ ૪૦૦ના આંકડાને આંબ્યો નથી. ૨૦૨૨માં જોસ બટલર ૩૮૭.૫ પૉઇન્ટ સાથે મોસ્ટ વૅલ્યુએબલ પ્લેયર બન્યો હતો. ગયા વર્ષે, ૨૦૨૩માં શુબમન ગિલ ૩૪૩ પૉઇન્ટ સાથે આ અવૉર્ડ જીત્યો હતો.

sunil narine sports news sports indian premier league kolkata knight riders