04 June, 2024 11:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કેદાર જાધવની નિવૃત્તિની જાહેરાત
મહેન્દ્ર સિંહ ધોનીના મિત્ર કેદાર જાધવે ગઈ કાલે ક્રિકેટનાં તમામ ફૉર્મેટને અલવિદા કહ્યું હતું. કેદાર જાધવની નિવૃત્તિની જાહેરાત કરવાની સ્ટાઇલ ધોની જેવી જ હતી. કેદાર જાધવે ૨૦૨૪ની ૩ જૂને બપોરે ૩ વાગ્યે ઇન્સ્ટાગ્રામ પર એક રીલ શૅર કરીને કૅપ્શનમાં લખ્યું હતું કે ‘મારી કરીઅર દરમ્યાન તમારા પ્રેમ અને સમર્થન માટે આપ સૌનો આભાર. ૧૫.૦૦ કલાક (૩ વાગ્યે)થી મને ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાંથી નિવૃત્ત ગણવામાં આવશે.’
ઇન્સ્ટાગ્રામ રીલના બૅકગ્રાઉન્ડમાં ફિલ્મ ‘આપકી કસમ’નું ગીત ‘ઝિંદગી કે સફર મેં ગુઝર જાતે હૈં જો મકામ’ વાગી રહ્યું હતું. તસવીરોમાં કેદાર જાધવે તેની ક્રિકેટ-કારકિર્દીની મહત્ત્વની ક્ષણો દર્શાવી હતી. ૧૯૮૫ની ૨૬ માર્ચે કેદાર જાધવનો જન્મ પુણેમાં થયો હતો. ૨૦૦૭થી મહારાષ્ટ્ર માટે ૮૭ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મૅચ રમનાર કેદાર જાધવે ૨૦૧૪માં ભારતીય ટીમ માટે ડેબ્યુ કર્યું હતું. ૩૯ વર્ષનો કેદાર જાધવ ૨૦૨૦ બાદ ભારતીય ટીમથી બહાર હતો. તે ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યુ કરી શક્યો ન હતો.
કેદાર જાધવની કરીઅર
વન-ડે - ૭૩ મૅચ (૧૩૮૯ રન અને ૨૭ વિકેટ)
T20 - ૯ મૅચ (૧૧૨ રન)