23 February, 2023 01:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અલિઝા હીલી
ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ-લેજન્ડ, ટોચના વિકેટકીપર અને ભરોસાપાત્ર બૅટર ઇયાન હીલીની ભત્રીજી અલિઝા હીલીને યુપી વૉરિયર્સ ટીમે ૪ માર્ચે શરૂ થનારી વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)ની સીઝન માટે કૅપ્ટન નિયુક્ત કરી છે. અલિઝા વિકેટકીપર અને ઓપનિંગ બૅટર છે. તે પાંચ ટી૨૦ વર્લ્ડ કપ અને એક ઓડીઆઇ વર્લ્ડ કપ જીતી ચૂકી છે. યુપી વૉરિયર્ઝ ટીમની ખેલાડીઓ દીપ્તિ શર્મા તેમ જ શ્વેતા સેહરાવત, રાજેશ્વરી ગાયકવાડ, દેવિકા વૈદ્ય, અંજલિ સરવાની અને કિરણ નવગીરે તેમ જ વિદેશી પ્લેયર્સ સૉફી એક્લ્સ્ટન, તાહલિઆ મૅક્ગ્રા, શબનીમ ઇસ્માઇલ, ગ્રેસ હૅરિસ અને લૉરેન બેલનો સમાવેશ છે.
દીપ્તિની પહેલાં હીલીને મોકો
ભારતની ટોચની ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા ઉત્તર પ્રદેશની છે અને તેને યુપી વૉરિયર્સે તાજેતરના ઑક્શનમાં ૨.૬૦ કરોડ રૂપિયામાં મેળવી હતી. જોકે આ ફ્રૅન્ચાઇઝીના માલિકોએ અલિઝા હીલીને કદાચ કૅપ્ટન બનાવવાના હેતુથી જ મેળવી હશે એવું લાગી રહ્યું છે. હીલીને યુપીના માલિકોએ ૭૦ લાખ રૂપિયામાં મેળવી હતી. યુપી વૉરિયર્સ ટીમને કૅપ્રી ગ્લોબલ કંપનીએ ખરીદી છે અને એના મૅનેજિંગ ડિરેકટર રાજેશ શર્માએ એક મુલાકાતમાં કહ્યું છે કે ‘અલિઝા હીલી મહિલા ક્રિકેટમાં બહુ મોટું નામ છે અને તે બહુ અનુભવી છે. તેને મોટી ટુર્નામેન્ટો (ખાસ કરીને વર્લ્ડ કપ) જીતવાની આદત છે એટલે તેનાં જેવી વિનર અમે ઇચ્છતા હતા જે અમને મળી ગઈ.’
અલિઝા હીલી વિમેન્સ બિગ બૅશમાં સિડની સિક્સર્સ ટીમનું નેતૃત્વ સંભાળી ચૂકી છે.
હીલી ઓડીઆઇમાં નંબર-વન
હીલી વિમેન્સ વન-ડેની નંબર-વન બૅટર છે. જોકે ડબ્લ્યુપીએલ ટી૨૦ ફૉર્મેટમાં રમાશે અને એ ફૉર્મેટની ઇન્ટરનૅશનલ્સમાં દીપ્તિ વર્લ્ડ નંબર-ફોર ઑલરાઉન્ડર અને નંબર-ફોર બોલર છે. હીલી
ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં આઠમા નંબરની બૅટર છે.
યુપી વૉરિયર્સની પ્રથમ મૅચ પાંચમી માર્ચે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સ સામે રમાશે.
અલિઝા હીલીએ ૨૦૧૬માં મિચલ સ્ટાર્ક સાથે લગ્ન કર્યાં હતાં
(૧) ટી૨૦ના પાંચ વર્લ્ડ કપ (૨૦૧૦, ૨૦૧૨, ૨૦૧૪, ૨૦૧૮, ૨૦૨૦) અને વન-ડેના એક વર્લ્ડ કપ (૨૦૨૨) જીતી ચૂકેલી અલિઝા હીલીએ ૧૩૯ ટી૨૦માં ૨૪૪૬ રન, ૯૪ વન-ડેમાં ૨૬૩૯ અને ૬ ટેસ્ટમાં ૨૩૬ રન બનાવ્યા છે. તેણે કુલ છ સેન્ચુરી અને ૩૦ હાફ સેન્ચુરી ફટકારી છે. તે વિકેટકીપર છે અને ટી૨૦ ઇન્ટરનૅશલ્સમાં તેણે સ્ટમ્પ્સની પાછળથી કુલ ૧૧૦ શિકાર સહિત કરીઅરમાં કુલ ૨૧૬ શિકાર કર્યા છે.
(૨) ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં વિકેટકીપર તરીકે કરેલા કુલ ૧૧૦ શિકાર મેન્સ ટી૨૦ના મહેન્દ્રસિંહ ધોનીના ૯૧ રનના વિક્રમ તેમ જ ક્વિન્ટન ડિકૉકના ૮૭ શિકારથી ઘણા વધુ છે.
(૩) ગયા વર્ષે વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં અને ફાઇનલમાં સદી ફટકારનાર વિશ્વની પ્રથમ ક્રિકેટર બની હતી.
(૪) ઇંગ્લૅન્ડ સામે ગયા વર્લ્ડ કપમાં અલિઝાએ ૧૭૦ રન બનાવીને (૨૦૦૭ના) વર્લ્ડ કપની ફાઇનલનો ઍડમ ગિલક્રિસ્ટનો ૧૪૯ રનનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો હતો. અલિઝાનો વિક્રમ મેન્સ તથા વિમેન્સ વર્લ્ડ કપમાં નોંધાયો છે.
(૫) અલિઝા હીલી અને તેનો ક્રિકેટર-પતિ મિચલ સ્ટાર્ક ઓડીઆઇ વર્લ્ડ કપમાં પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતી ચૂક્યાં છે. અલિઝાને ૨૦૨૨માં અને સ્ટાર્કને ૨૦૧૫માં આ પુરસ્કાર મળ્યો હતો.