12 March, 2023 02:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યુપીની કૅપ્ટન અલીઝા હીલીએ કર્યો ડબ્લ્યુપીએલનો હાઇએસ્ટ સ્કોર.
ભારતની ભૂતપૂર્વ ક્રિકેટર રીમા મલ્હોત્રાએ શુક્રવારે ડબ્લ્યુપીએલમાં બૅન્ગલોરને ૧૦ વિકેટે હરાવતી વખતે કૅપ્ટન્સ ઇનિંગ્સ રમવા બદલ યુપી વૉરિયર્ઝની કૅપ્ટન અલીઝા હીલીની પ્રશંસા કરી હતી. અલીઝાએ ૪૭ બૉલમાં અણનમ ૯૬ રન બનાવ્યા હતા, જે આ સ્પર્ધામાં તેનો સર્વોચ્ચ સ્કોર છે. ઓપનિંગ પાર્ટનર દેવિકા વૈદ્યએ ૩૧ બૉલમાં નૉટઆઉટ ૩૬ રન કર્યા હતા. યુપીએ ૧૩૯ રનો લક્ષ્યાંકન માત્ર ૧૩ ઓવરમાં જ આંબી લીધો હતો. સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની બૅન્ગલોર ટીમની આ ટુર્નામેન્ટમાં સતત ચોથી હાર હતી. મૅચ પૂરી થયા બાદ રીમાએ કહ્યું કે ‘પહેલી બે મૅચમાં હીલીનું પ્રદર્શન નિરાશાજનક હતું, પરંતુ શુક્રવારે શ્વેતા સેહરાવતને બદલે તે દેવિકા સાથે બૅટિગ કરવા આવી હતી. તેના શૉટની પસંદગી સારી હતી. તાકાતનો ઉપયોગ કઈ રીતે કરવો એ હીલીએ કરી દેખાડ્યું હતું. સાથોસાથ તે કૅપ્ટન્સ ઇનિંગ્સ પણ રમી છે.
ઑસ્ટ્રેલિયાની વિકેટકીપર-બૅટર અલીઝાએ યુપીના બોલિંગ-આક્રમણની પણ પ્રશંસા કરી હતી, જેમાં સૉફી એક્લ્સ્ટન અને દીપ્તિ શર્માએ મળીને કુલ ૭ વિકેટ લઈને બૅન્ગલોરને ૧૯.૩ ઓવરમાં ૧૩૮ રનમાં જ ઑલઆઉટ કર્યું હતું. તેણે કહ્યું કે મૅચની શરૂઆતમાં મેં વિચાર્યું હતું કે અમે તેમને ૨૦૦ની અંદર રાખીશું, પરંતુ સ્પિનરોને કારણે ટીમ આ સિદ્ધિ મેળવી શકી છે.
આગામી મૅચો કોની વચ્ચે
આજે
મુંબઈ v/s યુપી
બૅબર્ન સ્ટેડિયમ સાંજે ૭.૩૦
આવતી કાલે
દિલ્હી v/s બૅન્ગલોર
ડી. વાય. પાટીલ, સાંજે ૭.૩૦