20 November, 2024 10:55 AM IST | Perth | Gujarati Mid-day Correspondent
ઍલેક્સ કૅરી
ઑસ્ટ્રેલિયાનો વિકેટકીપર-બૅટર ઍલેક્સ કૅરી ભારત સામે બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT) પહેલાં તેના બૅટિંગ સ્ટાન્સમાં થોડો ફેરફાર કરીને શાનદાર ફૉર્મમાં પાછો ફર્યો છે. ૩૩ વર્ષના આ ક્રિકેટરે શેફીલ્ડ શીલ્ડ ટુર્નામેન્ટના પ્રથમ ચાર રાઉન્ડમાં ૪૫૨ રનનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો છે અને તેની બૅટિંગ ઍવરેજ ૯૦.૪૦ હતી. ૬ મૅચમાં તેણે બે સેન્ચુરી અને એક ફિફ્ટી સાથે વિકેટ પાછળ ૧૭ પ્લેયર્સને આઉટ કર્યા છે.
એક ઇન્ટરવ્યુમાં તેણે ખુલાસો કર્યો કે ‘મેં એક નાનો ફેરફાર કર્યો છે, પરંતુ એનું પરિણામ મને મળી રહ્યું છે. હું હવે બૅટને થોડું ઊંચું પકડી રહ્યો છું જેના કારણે શૉટ મારતાં પહેલાં વધારાનો સમય મળી રહ્યો છે.’ ઑસ્ટ્રેલિયાએ વિકેટકીપર-બૅટરના વિકલ્પ તરીકે જોશ ઇંગ્લિસને પણ ટીમમાં સ્થાન આપ્યું છે. ૨૦૨૨માં T20 અને વન-ડે ડેબ્યુ કરનાર જોશ ઇંગ્લિસ આ સિરીઝમાં ટેસ્ટ-ડેબ્યુ કરી શકે છે.