BAPSના વડા મહંતસ્વામીએ અક્ષર પટેલના દીકરાનું નામ પાડ્યું હક્ષ

25 December, 2024 10:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આફ્રિકાના દારે સલામથી મહારાજે આપ્યા આશીર્વાદ

હક્ષ એટલે આંખ

ભારતીય ક્રિકેટના ઑલરાઉન્ડર અક્ષર પટેલને ત્યાં નવા મહેમાનનું આગમન થયું છે. અક્ષર પટેલ ૧૯ ડિસેમ્બરે દીકરાનો પિતા બન્યો છે. આફ્રિકાના દારે સલામથી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના વડા મહંતસ્વામી મહારાજે તેના દીકરાનું નામ હક્ષ પાડીને આશીર્વાદ પાઠવીને પરિવારના સ્વસ્થ જીવન માટે શુભકામના આપી હતી.

અક્ષર પટેલની પત્ની મેહાને આણંદની હૉસ્પિટલમાં ઍડ્‌મિટ કરવામાં આવી હતી,  જ્યાં તેણે દીકરાને જન્મ આપ્યો હતો. BAPSના ચરોતર વરિષ્ઠ સંત ભગવતચરણ સ્વામીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અક્ષર પટેલને ત્યાં બાળકનો જન્મ થતાં હું હૉસ્પિટલમાં ગયો હતો અને અક્ષર પટેલ તેમ જ તેમના પિતા અને ડૉક્ટરને મળીને તેમને આશીર્વાદ આપ્યા હતા. મહંતસ્વામી મહારાજ હાલ આફ્રિકાના દારે સલામમાં છે એટલે સ્વામીજીને ત્યાં ફોન કરીને વાત કરી હતી. અક્ષર પટેલના દીકરાની રાશિ કર્ક આવી છે જેથી ‘ડ’ અને ‘હ’ શબ્દ પરથી નામ પાડવા માટે મહંતસ્વામી મહારાજને પ્રાર્થના કરી હતી એટલે મહંતસ્વામી મહારાજે અક્ષર પટેલના બાબાનું નામ હક્ષ પાડ્યું હતું અને આશીર્વાદ પાઠવ્યા હતા. અક્ષર પટેલ સંપ્રદાયથી પરિચિત છે અને તેમના પરિવારના સભ્યો સત્સંગી છે.’

પરિવારમાં દીકરાનું આગમન થતાં હૉસ્પિટલમાં ભગવતચરણ સ્વામીએ અક્ષર પટેલ અને તેમના પરિવારના સભ્યોનું મોં મીઠું કરાવ્યું હતું અને પ્રમુખસ્વામી મહારાજ સાથેની મુલાકાતને વાગોળી હતી.

axar patel indian cricket team childbirth swaminarayan sampraday cricket news sports news sports