09 April, 2023 10:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાનખેડેમાં અજિંક્ય રહાણેએ ૨૭ બૉલમાં આક્રમક ૬૧ રન ફટકાર્યા.
અજિંક્ય રહાણેની ગઈ કાલની આક્રમક રમતને કારણે ચેન્નઈએ મુંબઈને સાત વિકેટે હરાવ્યું હતું. ચેન્નઈએ ત્રણ વિકેટે ૧૫૯ રન કર્યા હતા. પહેલાં ચેન્નઈના સ્પિનરોએ મુંબઈને કાબૂમાં રાખીને માત્ર ૧૫૭ રન જ કરવા દીધા હતા. ચેન્નઈએ ડેવોન કૉન્વેની વિકેટ પહેલી જ ઓવરમાં ગુમાવી હતી, પરંતુ ત્યાર બાદ ચેન્નઈના ખેલાડી રહાણેએ મુંબઈ સામે તેની માત્ર ૧૯ બૉલમાં આ સીઝનની ફાસ્ટેસ્ટ હાફ-સેન્ચુરી ફટકારી હતી. તેણે શાર્દુલ ઠાકુર અને જોસ બટલરનો રેકૉર્ડ તોડ્યો હતો. બન્નેના નામે ૨૦ બૉલમાં હાફ-સેન્ચુરી હતી. રહાણે આખરે ૨૭ બૉલમાં ૩ સિક્સર અને ૭ ફોર સાથે ૬૧ રન બનાવીને આઉટ થયો હતો. ચેન્નઈના તુષાર દેશપાંડેએ રોહિત શર્માને આઉટ કરીને મુંબઈની આક્રમક રમતને ધીમી પાડી દીધી હતી.
વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે મુંબઈના બૅટરો ચેન્નઈ સુપર કિંગ્સના બોલરો ખાસ કરીને સ્પિનરો સામે વામણા સાબિત થયા હતા અને માંડ-માંડ ૧૫૭ રન જ બનાવી શક્યા હતા
ટૉસ હાર્યા બાદ પ્રથમ બૅટિંગ કરતાં મુંબઈએ પાવર-પ્લેમાં એક વિકેટે ૬૧ રન સાથે શાનદાર શરૂઆત કરી હતી, પણ ત્યાર બાદ ચેન્નઈના સ્પિનરો રવીન્દ્ર જાડેજા (૨૦ રનમાં ૩) અને મિચલ સૅન્ટનર (૨૮ રનમાં બે)ની સામે ફસડાઈ ગયું હતું અને ૭૬ રનમાં પાંચ વિકેટ જેવી દયનીય હાલત થઈ ગઈ હતી. તિલક વર્મા (૨૨), ટીમ ડેવિડ (૩૧) અને હૃતિક શૌકિન (૧૮)ની લડતના જોરે મુંબઈ આખરે ૮ વિકેટે ૧૫૭ રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું હતું.
ધોની રિવ્યુ સિસ્ટમનો શિકાર સૂર્યા
ઘરઆંગણે વાનખેડેમાં સૂર્યકુમાર ફરી ચમકશે એવી અપેક્ષા હતી, પણ એ બીજા જ બૉલે એક રન બનાવીને કૉટ બિહાઇન્ડ થઈ ગયો હતો. સૂર્યાને અમ્પાયરે આઉટ નહોતો આપ્યો અને બોલર સ્ટૅન્ટરે પણ ખાસ અપીલ નહોતી કરી, પણ મહેન્દ્ર સિંહ ધોનીએ રિવ્યુ લઈને અમ્પાયરને ખોટા સાબિત કરીને મૂલ્યવાન વિકેટ મેળવી હતી.
બૉલ જાડેજાને શોધતો આવ્યો
રવીન્દ્ર જાડેજાએ ગઈ કાલે ૪ ઓવરમાં ૨૦ રન આપીને ૩ વિકેટ લીધી હતી, જેમાં મુંબઈના બૅટર કૅમરન ગ્રીનનો કૉટ ઍન્ડ બોલ્ડ કૅચ અદ્ભુત હતો. એવું લાગ્યું જાણે બૉલ જાડેજાના હાથને શોધતો આવ્યો હોય.