14 December, 2022 12:33 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સ્ટીવ સ્મિથ
ઑસ્ટ્રેલિયાનો કાર્યવાહક ટેસ્ટ-સુકાની સ્ટીવ સ્મિથ તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ઍડીલેડની ટેસ્ટમાં જૂનીપુરાણી અને આગળથી ફાટેલી બૅગી ગ્રીન કૅપ પહેરીને રમ્યો એ મુદ્દો ક્રિકેટજગતમાં ચર્ચાના ચકડોળે ચડ્યો છે. ઑસ્ટ્રેલિયનો માટે બૅગી ગ્રીન કૅપ મૂલ્યવાન કહેવાય છે અને સ્મિથે ૨૦૧૦માં ટેસ્ટ-કરીઅર શરૂ કરી ત્યારથી આ કૅપ સાચવી રાખી છે. સોશ્યલ મીડિયામાં તેની ફાટેલી કૅપનો ફોટો વાઇરલ થતાં તેની ખૂબ ટીકા થઈ છે, પરંતુ સ્મિથે કારણમાં કહ્યું કે ‘હું શ્રીલંકાના ગૉલમાં હતો ત્યારે એક દિવસ મેં રાબેતા મુજબ મારી બૅગી ગ્રીન કૅપ રાતે ચૅન્જિંગ રૂમમાં મૂકી હતી. બીજા દિવસે આવીને જોયું તો ઉંદરે એ કૅપ આગળથી કોતરી નાખી હતી. એ બહુ ફાટી ગઈ છે, હું અઠવાડિયામાં સરખી કરાવી લઈશ.’