આફ્રિદી બન્યો પાકિસ્તાનનો વચગાળાનો ચીફ સિલેક્ટર

25 December, 2022 10:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આફ્રિદી અને હારુન રશિદની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠી દ્વારા ક્રિકેટ મૅનેજમેન્ટ કમિટીમાં નિમણૂક કરવામાં આવી હતી.

આફ્રિદી બન્યો પાકિસ્તાનનો વચગાળાનો ચીફ સિલેક્ટર

પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન શાહિદ આફ્રિદીને ગઈ કાલે પાકિસ્તાનની નૅશનલ ટીમનો વચગાળાનો ચીફ સિલેક્ટર બનાવાયો છે. સમિતિમાં અબ્દુલ રઝાક, ઇફ્તિખાર અહમદ અને હારુન રશિદનો સમાવેશ થાય છે. આ સમિતિ ન્યુ ઝીલૅન્ડ સામે ઘરઆંગણે રમાનારી બે ટેસ્ટ અને ત્રણ વન-ડે માટેની ટીમની પસંદગી કરશે. આફ્રિદી અને હારુન રશિદની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠી દ્વારા ક્રિકેટ મૅનેજમેન્ટ કમિટીમાં નિમણૂક કરવામાં આવી હતી. ૧૪ સભ્યોની નવી સમિતિએ શુક્રવારે ડિસેમ્બર ૨૦૨૦થી ચીફ સિલેક્ટર રહેલા મોહમ્મદ વસીમને તેમના પદ પરથી હટાવ્યા હતા. 

નજમ સેઠીએ એક નિવેદનમાં કહ્યું હતું કે ‘હું નવી નૅશનલ સિલેક્શન કમિ​ટીનું સ્વાગત કરું છું. ઓછો સમય હોવા છતાં તેઓ એવા નિર્ણયો લેશે જેને કારણે પાકિસ્તાનની ટીમ ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝમાં સ્પર્ધાત્મક ક્રિકેટ રમશે. શાહિદ આફ્રિદી એક આક્રમક ક્રિકેટર છે. તે કોઈ પણ જાતના ડર વિના ક્રિકેટ રમ્યો છે. એની પાસે ૨૦ વર્ષનો અનુભવ છે. સૌથી મહત્ત્વનું એ કે તેણે હંમેશાં યુવા પ્રતિભાને સમર્થન આપ્યું છે.’ મોહમ્મદ વસીમે તેને બરતરફ કર્યાના એક દિવસ પહેલાં જ ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટેની ૧૬ ખેલાડીઓની એક ટીમની ઘોષણા કરી હતી.

cricket news sports news sports pakistan