સાઉથ આફ્રિકાને સહેલાઈથી ન જીતવા દીધું અફઘાનિસ્તાને

11 November, 2023 11:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેમી ફાઇનલની રેસમાંથી સત્તાવાર રીતે આઉટ થઈ ગયેલા અફઘાનિસ્તાને ગઈ કાલે ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી, પરંતુ એની શરૂઆત સારી નહોતી રહી.

ઍન્ડીલ ફેહલુકવાયો અને રૅસી વૅન ડર ડુસેન

ઇંગ્લૅન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવનાર જાયન્ટ-કિલર અફઘાનિસ્તાને ગઈ કાલે અમદાવાદમાં વર્લ્ડ કપની પોતાની છેલ્લી લીગ મૅચમાં સાઉથ આફ્રિકા સામે છેલ્લે પરાજય જોવો પડ્યો હતો, પરંતુ ટેમ્બા બવુમાની ટીમને તેમણે આસાનીથી નહોતી જીતવા દીધી. ખુદ બવુમા ઈજાને કારણે ગુરુવારની સેમી ફાઇનલમાં રમશે કે કેમ એમાં શંકા છે.
સેમી ફાઇનલની રેસમાંથી સત્તાવાર રીતે આઉટ થઈ ગયેલા અફઘાનિસ્તાને ગઈ કાલે ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી, પરંતુ એની શરૂઆત સારી નહોતી રહી. ૪૫ રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ અઝમાતુલ્લા ઓમરઝાઈ (૯૭ અણનમ, ૧૦૭ બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) કેટલીક નાની ભાગીદારીઓની મદદથી ટીમના સ્કોરને ૨૫૦ની નજીક પહોંચાડ્યો હતો. જોકે અફઘાનિસ્તાન માટે ૨૪૪ રન સાઉથ આફ્રિકા જેવી માતબર ટીમ સામે પૂરતા નહોતા. સાઉથ આફ્રિકાના ગેરાલ્ડ કૉએટ‍્ઝીએ સૌથી વધુ ચાર વિકેટ અને લુન્ગી ઍન્ગિડી તથા કેશવ મહારાજે બે-બે વિકેટ લીધી હતી.
આ વર્લ્ડ કપમાં ૪૨૮નો સર્વોચ્ચ સ્કોર અને ચાર ૩૦૦-પ્લસના સ્કોર નોંધાવનાર સાઉથ આફ્રિકા માટે ગઈ કાલે અફઘાનિસ્તાન સામે અઢીસો રન બનાવતાં નાકે દમ આવી ગયો હતો. તેણે છેક ૪૮મી ઓવરમાં પાંચ વિકેટે ૨૪૭ રન બનાવીને મૅચ જીતી લીધી હતી. એમાં રૅસી વૅન ડર ડુસેન (૭૬ અણનમ, ૯૫ બૉલ, એક સિક્સર, છ ફોર)નું યોગદાન સૌથી વધુ હતું. એવરગ્રીન ઓપનર ક્વિન્ટન ડિકૉકે ૪૧ રન બનાવ્યા હતા અને મોહમ્મદ નબીના બૉલમાં એલબીડબ્લ્યુ થઈ ગયો હતો. છેલ્લે ઍન્ડીલ ફેહલુકવાયો (૩૯ અણનમ, ૩૭ બૉલ, ત્રણ સિક્સર, એક ફોર)ની ડુસેન સાથેની છઠ્ઠી વિકેટ માટેની ૬૫ રનની અતૂટ ભાગીદારીએ સાઉથ આફ્રિકન ટીમને પરાજયના ડરમાંથી મુક્તિ અપાવી હતી. મોહમ્મદ નબી અને રાશિદ ખાને બે-બે વિકેટ લીધી હતી. એક વિકેટ મુજીબ ઉર રહમાનને મળી હતી.
હવે અફઘાનિસ્તાનની ટીમ માનભેર સ્વદેશ પાછી જશે, જ્યારે સાઉથ આફ્રિકા ૧૬મીએ કલકત્તામાં ઑસ્ટ્રેલિયા સામે સેમી ફાઇનલ રમશે.

world cup sports news afghanistan cricket news