31 December, 2024 11:02 AM IST | Harare | Gujarati Mid-day Correspondent
અફઘાની કૅપ્ટન હશમતુલ્લાહ શાહિદી ૨૪૬ રન ફટકારીને બન્યો હતો પ્લેયર ઑફ ધ મૅચ.
ઝિમ્બાબ્વેની ધરતી પર ૨૮ વર્ષ બાદ રમાયેલી બૉક્સિંગ ડે ટેસ્ટ ડ્રૉ થઈ છે. પહેલી વાર આ બન્ને વચ્ચેની ટેસ્ટમૅચ ડ્રો ગઈ છે. પહેલી ઇનિંગ્સમાં યજમાન ટીમે ૧૩૫.૨ ઓવરમાં ૫૮૬ રન કર્યા હતા, જવાબમાં મહેમાન ટીમે ૧૯૭ ઓવરમાં ૬૯૯ રન કરીને ૧૧૩ રનની લીડ મેળવી હતી. પાંચમા દિવસના અંત સુધીમાં ઝિમ્બાબ્વેએ ૩૪ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૧૪૨ રન કર્યા હતા.
કૅપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ૪૭૪ બૉલમાં ૨૪૬ રન કરીને અફઘાનિસ્તાન તરફથી સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર નોંધાવ્યો હતો. તેણે આ મૅચમાં ૪૨૪ બૉલમાં ૨૩૪ રન કરનાર રહેમત શાહનો રેકૉર્ડ તોડ્યો હતો. એક ટેસ્ટમૅચમાં બે અફઘાની બૅટરે ડબલ સેન્ચુરી કરી હોય એવી પણ આ પહેલી ઘટના છે. વિકેટકીપર-બૅટર અફસર ઝઝઈએ ૧૬૯ બૉલમાં ૧૧૩ રન કરી ટીમને ૬૯૯ રન તેમના હાઇએસ્ટ ટેસ્ટ-સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી હતી. આ તેની પહેલી ઇન્ટરનૅશનલ સેન્ચુરી હતી અને અફઘાનિસ્તાન માટે આ ટેસ્ટમાં પહેલો ૬૦૦ પ્લસ રનનો સ્કોર હતો. બે મૅચની સિરીઝની અંતિમ મૅચ ૨૦૨૫ની બીજી જાન્યુઆરીથી રમાશે.