હાર્દિકની કૅપ્ટન્સી અહંકારી, પોતાને ધોની સમજી રહ્યો છે

11 May, 2024 08:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં મોટા ભાગના યુવા ખેલાડીઓ હતા એટલે ત્યાં તેને વાંધો ન આવ્યો, પણ મુંબઈમાં અનેક સિનિયર ખેલાડી હોવાથી તેની આ સ્ટાઇલ ન ચાલી શકે

હાર્દિક પંડ્યા

ગુજરાત ટાઇટન્સને છોડીને જ્યારથી હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સમાં પાછો આવ્યો અને કૅપ્ટન બન્યો છે ત્યારથી તેના માટે પનોતી શરૂ થઈ ગઈ છે. દરેક મૅચમાં ચાહકોના ગુસ્સાનો સામનો કરી રહ્યો છે અને ટીમના નબળા પર્ફોર્મન્સને લીધે તેની કૅપ્ટન્સીની ભારે ટીકા પણ થઈ રહી છે. આ આ ઉપરાંત તેનો પોતાનો પર્ફોર્મન્સ પણ દમ વગરનો રહ્યો છે. તેની કૅપ્ટન્સીમાં ટીકાકારોમાં હવે લેજન્ડ અને ભૂતપૂર્વ સાઉથ આફ્રિકન ક્રિકેટર એ.બી. ડિવિલિયર્સ પણ જોડાયો છે. ડિવિલિયર્સને હાર્દિકની કૅપ્ટન્સીમાં અહંકાર દેખાય છે.

જેવો દેખાવાની કોશિશ કરી રહ્યો છે એવો તે બિલકુલ નથી એમ કહીને ડિવિલિયર્સે એક યુટ્યુબ ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હાર્દિકની કૅપ્ટન્સીની સ્ટાઇલ બહાદુરીભરી લાગે છે. જોકે એમાં અહંકાર દેખાઈ રહ્યો છે. મને નથી લાગતું કે તે મેદાનમાં જેવો દેખાવાની કોશિશ કરી રહ્યો છે, અસલિયતમાં એવો તે હોય. તે બિલકુલ એવો નથી. જોકે તેણે નક્કી કરી લીધું છે કે તેની કૅપ્ટન્સીની આ જ સ્ટાઇલ હશે. તે પોતાને ધોનીની જેમ શાંત દેખાવાની કોશિશ કરી રહ્યો છે, પણ ખરેખરમાં એવો જરાય નથી. મને ખેલાડી તરીકે હાર્દિકને રમતો જોવો ખૂબ ગમે છે, પણ કૅપ્ટન તરીકે જરાય પસંદ નથી. ટીમમાં રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ જેવા અનુભવી ખેલાડીઓ મોજૂદ હોય ત્યારે તમારે ફક્ત શાંત જ રહેવાની જરૂરત છે, નહીં કે આ બધા સામે પોતાને મોટો બતાવવાની. ખોટી હોશિયારી દેખાડવાની કોઈ જ જરૂરત નથી.’

ગુજરાત ટાઇટન્સ સાથે મળેલી સફળતા વિશે ડિવિલિયર્સે કહ્યું હતું કે ‘ગુજરાતની ટીમમાં મોટા ભાગના યુવા ખેલાડીઓ હોવાથી તેમને એ સ્ટાઇલ સામે કોઈ વાંધો ન હોય અને એથી જ તે ત્યાં સફળ રહ્યો, પણ તમે જ્યારે ખૂબ જ અનુભવી અને તમારી સાથે પહેલાં રમી ચૂક્યા હોય તેમની સાથે આવી સ્ટાઇલની કૅપ્ટન્સી કરવી બિલકુલ યોગ્ય નથી.’ 

sports news sports gujarat titans hardik pandya ms dhoni