વર્ષ પહેલાં મને કરીઅર ખતમ કરવાનું કહેતા હતા, હવે બેસ્ટ બોલર કહો છો?

11 June, 2024 08:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જસપ્રીત બુમરાહે ટ્રોલર્સ પર માર્યો ટૉન્ટ

જસપ્રીત બુમરાહ

જસપ્રીત બુમરાહે ૨૦૨૨માં તેની પીઠના નીચેના ભાગમાં ‘સ્ટ્રેસ ફ્રૅક્ચર’ની સર્જરી કરાવી હતી, જેના કારણે તે ઑસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપમાં રમી શક્યો ન હતો. ભારતમાં એક સિરીઝથી વાપસી કરતા સમયે તેની માંસપેશીમાં દુખાવો થયો હતો જેના કારણે તે ૧૦ મહિનાથી વધુ સમય માટે ક્રિકેટથી દૂર રહ્યો હતો.

લોકો ત્રણેય ફૉર્મેટમાં રમવાના વર્કલોડને હૅન્ડલ કરવાની તેની ક્ષમતા પર સવાલ ઉઠાવવા લાગ્યા હતા, પરંતુ બુમરાહે છેલ્લા એક વર્ષમાં ત્રણેય ફૉર્મેટમાં ૬૭ વિકેટ લઈને તેના ટ્રોલર્સને ચૂપ કરી દીધા છે, જેમાં રવિવારે પાકિસ્તાન સામે ઓછા સ્કોરવાળી T20 વર્લ્ડ કપની મૅચમાં ૧૪ રનમાં ત્રણ વિકેટનું મૅચવિનિંગ પ્રદર્શન સામેલ છે.

બુમરાહે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘એક વર્ષ પહેલાં સુધી આ જ લોકો કહેતા હતા કે હું કદાચ ફરીથી રમી શકીશ નહીં અને મારી કરીઅર સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ હવે આ પ્રશ્ન બદલાઈ ગયો છે. લોકો મને બેસ્ટ બોલર કહી રહ્યા છે. હું હંમેશાં મૅચમાં ટીમ માટે સામે આવેલી સમસ્યાને સમાપ્ત કરવા માટે રમું છું.’ 

cricket news sports sports news jasprit bumrah