09 December, 2023 09:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાનખેડેમાં ઇંગ્લૅન્ડની ખેલાડીઓએ ગઈ કાલે પ્રૅક્ટિસ સેશન દરમ્યાન થોડી ગમ્મત પણ કરી હતી. અતુલ કાંબળે
ટી૨૦માં ભારતીય મહિલા ટીમ મિતાલી રાજના નેતૃત્વમાં ૨૦૦૬ની પ્રારંભિક સિરીઝમાં ઇંગ્લૅન્ડને તેમની જ ધરતી પર હરાવીને પાછી આવી હતી, પરંતુ ત્યાર પછી બ્રિટિશ ટીમને ભારતીય વિમેન્સ ટીમ ટી૨૦ શ્રેણીમાં ક્યારેય નથી હરાવી શકી. જો આજે વાનખેડેમાં ભારત વર્તમાન સિરીઝની બીજી મૅચ પણ હારી જશે તો એ પરંપરા ચાલુ જ રહેશે અને પછી તો ૦-૩થી હારવાનો વખત આવી શકે.
આજે હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતે જીતવા માટે જાદુઈ પર્ફોર્મન્સની જરૂર પડશે, કારણ કે બે દિવસ પહેલાંની પ્રથમ મૅચમાં ભારતની ફીલ્ડિંગ, બોલિંગ અને બૅટિંગ ત્રણેય નબળી હતી. બીજી બાજુ, હીધર નાઇટની ટીમે ત્રણેયમાં સારું પર્ફોર્મ કરીને ભારતને ૩૮ રનથી હારવા મજબૂર કરી દીધું હતું. એ દિવસે ફ્લૅટ પિચ પર ફર્સ્ટ ઇનિંગ્સમાં બોલર્સને ખાસ કંઈ મદદ નહોતી મળી છતાં ઇંગ્લૅન્ડે ૬ વિકેટે ૧૯૭ રન બનાવ્યા હતા. એક તબક્કે બ્રિટિશ ટીમે ૧૨ ઓવરમાં ત્રણ વિકેટે ૧૨૧ રન ખડકી દીધા હતા. એ દિવસે ફ્લૉપ જનાર વાઇસ કૅપ્ટન સ્મૃતિ મંધાના (૬ રન) અને જેમાઇમા રૉડ્રિગ્સે (૪) આજે સારું રમી દેખાડવું પડશે. બીજી બાજુ, ડૅની વ્યૉટ (૭૫) અને નૅટ સિવર-બ્રન્ટ (૭૭) ફરી મૅચ-વિનિંગ ઇનિંગ્સ ન રમી જાય એની તકેદારી ભારતીય બોલર્સ-ફીલ્ડર્સે રાખવી પડશે.