13 February, 2025 11:00 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent
કેરલાનાે પહેલી ઇનિંગ્સના સેન્ચુરિયન સલમાન નઝીરે બીજી ઇનિંગ્સમાં પણ બધી ઓવરો રમીને ટીમને સેમી ફાઇનલમાં પહોંચાડ્યા બાદ ખૂબ જ જોશપૂર્વક સેલિબ્રેશન કર્યું હતું.
ગઈ કાલે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશન સ્ટેડિયમમાં કેરલા અને જમ્મુ ઍન્ડ કાશ્મીર વચ્ચેની રણજી ટ્રોફીની ક્વૉર્ટર ફાઇનલનો પાંચમો દિવસ દિલધડક રહ્યો હતો. દિવસના અંતે આ મૅચ આમ તો ડ્રૉ રહી હતી, પણ પહેલી ઇનિંગ્સમાં મેળવેલી માત્ર ૧ રનની લીડને લીધે કેરલા સેમી ફાઇનલમાં પ્રવેશ્યું હતું. કેરલા આ પહેલાં એક જ વાર સેમી ફાઇનલમાં પહોંચ્યું છે.
આ મૅચમાં પહેલી ઇનિંગ્સમાં જમ્મુ ઍન્ડ કાશ્મીરે ૨૮૦ રન કર્યા હતા અને કેરલાએ ૨૮૧ રન કરીને ૧ રનની લીડ મેળવી હતી. જમ્મુ ઍન્ડ કાશ્મીરે બીજી ઇનિંગ્સમાં ૯ વિકેટે ૩૯૯ રનના સ્કોર પર ઇનિંગ્સ ડિક્લેર કરી હતી અને કેરલાને ૩૯૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. કેરલાએ ચોથા દિવસના અંત સુધીમાં બે વિકેટે ૧૦૦ રન કર્યા હતા. ગઈ કાલના પાંચમા અને છેલ્લા દિવસે એને જીતવા માટે વધુ ૨૯૯ રનની જરૂર હતી અથવા સેમી ફાઇનલમાં ક્વૉલિફાય થવા ૯૦ ઓવર રમીને મૅચને ડ્રૉ કરવાની જરૂર હતી.
ગઈ કાલે જમ્મુ ઍન્ડ કાશ્મીરના બોલરોના આક્રમક અભિગમ સામે ઘણા સમય સુધી અડીખમ રહ્યા પછી કેરલાએ નિયમિત અંતરે વિકેટો ગુમાવવા માંડી ત્યારે એવું લાગતું હતું કે મૅચ એના હાથમાંથી સરી જશે. કેરલાએ છઠ્ઠી વિકેટ ૧૮૬ રનના સ્કોર પર ગુમાવી ત્યારે વધુ ૪૨.૪ ઓવર બાકી હતી એટલે જમ્મુ ઍન્ડ કાશ્મીરની છાવણીમાં આશાનો સંચાર થયો હતો. જોકે કેરલાના પહેલી ઇનિંગ્સના સેન્ચુરિયન સલમાન નઝીર અને મોહમ્મદ અઝહરુદીને મળીને આ બધી ઓવરો રમી નાખીને મૅચ ડ્રૉ કરાવી હતી. દિવસના અંતે કેરલાએ ૬ વિકેટે ૨૯૫ રન કર્યા હતા.
બન્ને સેમી ફાઇનલ શરૂ થશે ૧૭ ફેબ્રુઆરીએ
મુંબઈ, વિદર્ભ અને ગુજરાત મંગળવારે રણજી ટ્રોફીની સેમી ફાઇનલમાં પહોંચી ગયાં હતાં; જ્યારે કેરલાએ ગઈ કાલે એન્ટ્રી મારી હતી. બે સેમી ફાઇનલ મુંબઈ અને વિદર્ભ વચ્ચે તથા ગુજરાત અને કેરલા વચ્ચે રમાશે. બન્ને સેમી ફાઇનલ ૧૭ ફેબ્રુઆરીથી રમાશે. કેરલા-ગુજરાતની મૅચ અમદાવાદમાં અને મુંબઈ-વિદર્ભની મૅચ નાગપુરમાં રમાશે.