19 November, 2023 02:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્ટીવ સ્મિથ અને મિચલ માર્શે ગઈ કાલે અમદાવાદની પિચના વિડિયો અને ઇમેજિસ લીધાં હતાં. એ.એફ.પી.
વન-ડેના વર્લ્ડ કપમાં આજે ભારતીય ક્રિકેટ ટીમ બીજી વાર યજમાનપદને અનેરું ગૌરવ અપાવવા તૈયાર થઈ ગઈ છે. ૧૯૮૩માં કપિલ દેવના જાંબાઝ ખેલાડીઓ ઇંગ્લૅન્ડની ધરતી પર ખૂનખાર કૅરિબિયનો સામે ‘લૉર્ડ્સ’ બનીને પાછા આવ્યા હતા, જ્યારે ૨૦૧૧માં ભારતે ઘરઆંગણે મહેન્દ્ર સિંહ ધોનીના સુકાનમાં દેશને બીજી વર્લ્ડ કપ ટ્રોફી અપાવી હતી. હવે આ વખતે ૨૦૦૩ની ફાઇનલની હારનો ઑસ્ટ્રેલિયા સામે બદલો લઈને દેશને ત્રીજી વાર વર્લ્ડ ચૅમ્પિયન બનાવવાની જવાબદારી રોહિત-
સેનાની છે.
૧૯૮૩માં કપિલ દેવના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટને જબરદસ્ત લિફ્ટ મળી હતી અને ૨૦૧૧માં ધોનીના સુકાનમાં ભારતે પોતાનું વર્ચસ જમાવ્યું હતું. ૨૦૨૩માં રોહિત શર્મા ઍન્ડ કંપનીએ વર્લ્ડ ચૅમ્પિયન બનીને વન-ડે ક્રિકેટને માત્ર જીવંત રાખવા માટે જ નહીં, પણ ઓડીઆઇની ગાડી પાછી પાટા પર લાવવા સૌથી મોટું યોગદાન આપ્યું ગણાશે.
બ્લુ વિરુદ્ધ યલો જર્સી
જાણે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે જંગ હોય એમ
અમદાવાદના મેદાન પર આજે યલો જર્સીમાં સજ્જ ઑસ્ટ્રેલિયનો વચ્ચે ૧૧ મેન ઇન બ્લુ હશે, ત્યારે બીજી તરફ ૧,૦૦,૦૦૦થી પણ વધુ પ્રેક્ષકો (જેમાંના મોટા ભાગના લોકો બ્લુ જર્સીમાં હશે) રોહિતની ટીમને ચિયર-અપ કરશે. કરોડો પ્રેક્ષકોની દુઆ પણ રોહિત-સેનાને મળી જ રહી છે એટલે આજે ૩૩ કરોડ રૂપિયાનું પહેલું ઇનામ ટીમ ઇન્ડિયાને મળવાની પાકી સંભાવના છે.
કોની વચ્ચે તીવ્ર હરીફાઈ?
રોહિત વિરુદ્ધ સ્ટાર્ક અને હૅઝલવુડ, કોહલી વિરુદ્ધ ઝૅમ્પા, કુલદીપ વિરુદ્ધ મૅક્સવેલ, બુમરાહ વિરુદ્ધ વૉર્નર તેમ જ શમી વિરુદ્ધ લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટર્સ.
પિચ કેવી છે?
ભારતની પાકિસ્તાન સામેની મૅચ જેના પર રમાઈ હતી એ જ પિચ પર આજે ઑસ્ટ્રેલિયા સામેની ફાઇનલ રમાશે. સૂર્યાસ્ત પછી તાપમાન ઘટશે એટલે ભેજથી બૉલને અસર થઈ શકે. જોકે થોડું ઘાસ પિચ પર હોવાથી એના પર કેમિકલનો છંટકાવ કરવામાં આવ્યો છે જેનાથી ડ્યુની ઇફેક્ટ ઘટતી જોવા મળી શકે. શિયાળાની શરૂઆત ખૂબ પ્રાથમિક તબક્કામાં હોવાથી સાંજે વાતાવરણ થોડું ઠંડું રહેશે. વરસાદની આગાહી નથી અને તાપમાન વધુમાં વધુ ૩૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેશે. ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સના મતે પિચ ઘણી સારી છે. જોકે તેણે કહ્યું હતું કે ‘ભારતીયો ભલે પોતાની આવી પિચ પર ખૂબ રમ્યા છે, પરંતુ અમે પણ ભારતમાં ઘણી મૅચ રમ્યા છીએ એ યાદ રહે.’
આજે અમદાવાદના સ્ટેડિયમમાં કયા-કયા મોંઘેરા મહેમાન?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહપ્રધાન અમિત શાહ તેમ જ અનુરાગ ઠાકુર, જ્યોતિરાદિત્ય સિંધિયા, આસામ તથા મેઘાલયના સીએમ, ઑસ્ટ્રેલિયા તથા સિંગાપોરના પ્રધાનો, યુએઈ તેમ જ અમેરિકા અને ઑસ્ટ્રેલિયાના ઍમ્બૅસૅડર, નીતા અંબાણી, લક્ષ્મી મિત્તલ, સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટના ન્યાયાધીશ વગેરે અનેક મહાનુભાવો.