24 October, 2019 07:52 AM IST | મુંબઈ | હરિત જોશી
વિનોદ રાય અને ડાયના એદલજી
ભારતીય ક્રિકેટ બોર્ડની નવી કમિટી સૌરવ ગાંગુલીના વડપણ હેઠળ ગઈ કાલથી કાર્યરત થઈ ગઈ છે, પણ જાણીને નવાઈ લાગશે કે જસ્ટિસ લોઢા કમિટીએ સૂચવેલાં સૂચનોનો અમલ કરવા ભારતીય ક્રિકેટ બોર્ડે છેલ્લાં ચાર વર્ષમાં ૧૧૯ કરોડ રૂપિયાનું પાણી કરી નાખ્યું છે. આ સમિતિમાં વિનોદ રાય અને ડાયના એદલજીનો સમાવેશ થતો હતો.
આ મુદ્દે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ કહ્યું હતું કે ‘આમાંનો મોટા ભાગનો ખર્ચ સુપ્રીમ કોર્ટની સુનાવણી અને સિનિયર કાઉન્સેલરની ફી ચૂકવવામાં થયો છે. અંદાજે ૪૦ કરોડ રૂપિયા તો બીસીસીઆઇની લીગલ ટીમને ચૂકવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટની એક સુનાવણી માટે વરિષ્ઠ સલાહકાર અંદાજે પાંચ લાખ રૂપિયાની ફી લે છે. આ માત્ર બીસીસીઆઇનો ખર્ચો છે. સ્ટેટ અસોસિએશને પણ ઘણા લીગલ ખર્ચા કર્યા છે.’
મહારાષ્ટ્ર અને તામિલનાડુ સ્ટેટ ક્રિકેટ અસોસિએશને અનુક્રમે તુષાર મહેતા અને કપિલ સિબલ જેવા મોટા વકીલોને પોતાના કેસ આપ્યા હોવાથી તેમનો ખર્ચો પણ મોટો થાય છે. બીજાં પણ અનેક સ્ટેટ અસોસિએશનોએ પોતાના સંવિધાનના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં ઇન્ટરલોકુટરી ઍપ્લિકેશન દાખલ કરી છે જે હજી પેન્ડિંગ છે. બીસીસીઆઇના નવા ટ્રેઝરર અરુણ સિંહ ધુમલ આ કાનૂની ખર્ચ ઓછો કરવાની દિશાનાં પગલાં લેવાના મૂડમાં છે.