રોહિત અને વિરાટ પછી IPLમાં ૨૫૦ સિક્સર ધોનીની

12 May, 2024 08:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિદ્ધિ મેળવનારો તે ઓવરઑલ પાંચમો ખેલાડી

મહેન્દ્ર સિંહ ધોની

૪૨ વર્ષના મહેન્દ્ર સિંહ ધોનીએ ગુજરાત ટાઇટન્સ સામેની મૅચ દરમ્યાન તોફાની ઇનિંગ્સ રમી હતી. ૨૩૬.૩૬ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરતાં ધોનીએ ૧૧ બૉલમાં ૩ સિક્સર અને ૧  ચોગ્ગાની મદદથી ૨૬ રન ફટકારીને ફૅન્સના પૈસા વસૂલ કર્યા હતા. દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાનની ઓવરમાં હેલિકૉપ્ટર શૉટની મદદથી સિક્સર ફટકારીને ધોનીએ વધુ એક કીર્તિમાન પોતાને નામે કર્યો હતો.

ગુજરાત ટાઇટન્સ સામેની મૅચ પહેલાં ધોનીએ IPLમાં ૨૪૮ સિક્સર ફટકારી હતી. રાશિદ ખાનની ઓવરમાં બે સિક્સર ફટકારીને તેણે ૨૫૦ IPL સિક્સર પૂરી કરી હતી. IPLમાં આ સિદ્ધિ મેળવનાર તે પાંચમો ખેલાડી અને ત્રીજો ભારતીય બન્યો હતો. આ લિસ્ટમાં ક્રિસ ગેઇલ (૩૫૭ સિક્સર) પ્રથમ સ્થાને, રોહિત શર્મા (૨૭૬ સિક્સર) બીજા, વિરાટ કોહલી (૨૬૪  સિક્સર) ત્રીજા અને એ.બી. ડિવિલિયર્સ (૨૫૧ સિક્સર) ચોથા ક્રમે છે. ૨૫૧ સિક્સર ફટકારીને ધોનીએ ડિવિલિયર્સની બરાબરી કરી છે. આગામી મૅચમાં વધુ એક સિક્સર ફટકારીને તે ડિવિલિયર્સને પાંચમા ક્રમે પછાડીને ચોથું સ્થાન સંપૂર્ણ રીતે પોતાને નામે કરશે.

મૅચ દરમ્યાન એક ફૅન તમામ સુરક્ષાવ્યવસ્થાને પાર કરીને મેદાન પર ધોનીને મળવા પહોંચ્યો હતો. ધોનીએ ફૅનને જોઈ થોડા સમય માટે તેનાથી દૂર ભાગીને રમૂજ પણ કરી હતી. ધોનીને નજીકથી જોઈ અંતે ફૅન તેના પગે પડ્યો હતો. નતમસ્તક થયેલા ફૅનને ભેટીને ધોનીએ તેને મેદાનની બહાર લઈ જવામાં સુરક્ષા-કર્મચારીઓને મદદ કરી હતી. ધોનીએ ફરી પોતાના સ્વભાવથી કરોડો ફૅન્સનાં દિલ જીત્યાં હતાં, પણ મૅચ બાદ તે ઇલેક્ટ્રિક સ્ટ્રાઇકર ઑફ ધ મૅચનો અવૉર્ડ લેવા ન આવ્યો, તેના સ્થાને કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે તેનો અવૉર્ડ સ્વીકાર્યો હતો. 

mahendra singh dhoni narendra modi stadium indian premier league sports news sports cricket news