13 October, 2024 09:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૂર્યકુમાર યાદવ અને સંજુ સૅમસન
૪૦ બૉલમાં ભારત માટે બીજી ફાસ્ટેસ્ટ સેન્ચુરી નોંધાવી સંજુ સૅમસને, ૨૯૭ રન ભારતનો આ ફૉર્મેટનો નવો હાઇએસ્ટ સ્કોર બન્યો
હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં બંગલાદેશ સામે ૧33 રને ત્રીજી T20 ઇન્ટરનૅશનલ મૅચ જીતીને ભારતીય ટીમે ૩-૦થી સિરીઝ ક્લીન સ્વીપ કરી છે. ભારતીય ટીમે પહેલાં બૅટિંગ કરીને ૨૯૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ૭ વિકેટે બંગલાદેશી ટીમ ૧૬૪ રન બનાવી શકી હતી. ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર અર્શદીપ સિંહના સ્થાને સ્પિનર રવિ બિશ્નોઈને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
ઇનિંગ્સની પહેલી ૬ ઓવરમાં ભારતીય ટીમે ૮૨ રન ફટકારીને પોતાના હાઇએસ્ટ પાવરપ્લે સ્કોરની બરાબરી કરી હતી. ભારતે ૨૦૨૧માં સ્કૉટલૅન્ડ સામે પણ ૮૨ રન ફટકાર્યા હતા. ભારતીય ટીમે ૭.૧ ઓવરમાં ૧૦૨ રન ફટકારીને T20 ઇન્ટરનૅશનલમાં પોતાની ફાસ્ટેસ્ટ ટીમ સેન્ચુરી નોંધાવી હતી. આ પહેલાં ભારતે ૨૦૧૯માં વાનખેડે સ્ટેડિયમમાં ૮ ઓવરમાં ૧૦૦ રન પૂરા કર્યા હતા. ભારતે આ જ ઇનિંગ્સમાં પોતાના ૯.૫ ઓવરમાં ફાસ્ટેસ્ટ ૧૫૦ રન અને ૧૪ ઓવરમાં ફાસ્ટેસ્ટ ૨૦૦ રન પૂરા કર્યા હતા.
ભારતે આ ઇનિંગ્સમાં પોતાની હાઇએસ્ટ બાવીસ સિક્સર પણ ફટકારી હતી. ૨૯૭/૬નો સ્કોર ભારતનો હાઇએસ્ટ T20 ઇન્ટરનૅશનલ સ્કોર છે, આ પહેલાં ભારતે ૨૦૧૭માં શ્રીલંકા સામે ૨૬૦ રન ફટકાર્યા હતા. ૨૯૭ રન એ ફુલ મેમ્બર ટીમનો હાઇએસ્ટ સ્કોર પણ છે. ઓવરઑલ લિસ્ટમાં ભારતીય ટીમ બીજા સ્થાને છે, T20 ઇન્ટરનૅશનલમાં એક ઇનિંગ્સનો હાઇએસ્ટ સ્કોર ૩૧૪ રન નેપાલે ૨૦૨૩માં મોંગોલિયા સામે બનાવ્યો હતો.
બીજી વિકેટ માટે ૭૦ બૉલમાં ૧૭૩ રનની પાર્ટનરશિપ કરીને સંજુ સૅમસન (૧૧૧ રન) અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (૭૫ રન) ચમક્યા હતા. ૪૦ બૉલમાં સેન્ચુરી ફટકારીને સંજુ સૅમસન રોહિત શર્મા (૩૫ બૉલ) બાદ ફાસ્ટેસ્ટ સેન્ચુરી નોંધાવનાર બીજો ભારતીય બન્યો છે. તેણે T20 ઇન્ટરનૅશનલની પોતાની પહેલી સેન્ચુરી નોંધાવી છે. આ કોઈ પણ ભારતીય વિકેટકીપર દ્વારા T20 ઇન્ટરનૅશનલની પહેલી સેન્ચુરી છે. રિશાદ હુસેનની ૧૦મી ઓવરમાં સતત પાંચ સિક્સર ફટકારીને તેણે ૩૦ રન સ્કોરમાં ઉમેર્યા હતા.
કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ૩૧ રન ફટકારતાંની સાથે T20 ઇન્ટરનૅશનલમાં ૨૫૦૦ રન પૂરા કર્યા હતા. ભારતીય દ્વારા ફાસ્ટેસ્ટ ૨૫૦૦ રન બનાવવાના મામલે વિરાટ કોહલી (૬૮ ઇનિંગ્સ) બાદ સૂર્યકુમાર યાદવ (૭૧ ઇનિંગ્સ) બીજા નંબરે આવ્યો છે. હાર્દિક પંડ્યા (૪૭ રન) અને રિયાન પરાગે (૩૪ રન) ચોથી વિકેટ માટે ૨૬ બૉલમાં ૭૦ રનની ધમાકેદાર પાર્ટનરશિપ કરી હતી.
બીજી ઇનિંગ્સમાં રવિ બિશ્નોઈએ ચાર ઓવરમાં ૩૦ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. આ સ્પેલમાં એક મેઇડન ઓવર ફેકનાર રવિ બિશ્નોઈ T20 ઇન્ટરનૅશનલમાં ફાસ્ટેસ્ટ ૫૦ વિકેટ લેનાર સંયુક્ત રીતે બીજો ભારતીય બોલર બન્યો હતો. તેણે અર્શદીપ સિંહની જેમ ૩૩ ઇનિંગ્સમાં આ કમાલ કરી હતી. ૩૦ ઇનિંગ્સ સાથે કુલદીપ યાદવ આ લિસ્ટમાં પહેલા નંબરે છે. ૨૪ વર્ષ ૩૭ દિવસની ઉંમરનો રવિ આ રેકૉર્ડ બનાવનાર યંગેસ્ટ ભારતીય બોલર બન્યો છે.
50- T20 ઇન્ટરનૅશનલ વિકેટ લેનાર ભારતનો યંગેસ્ટ બોલર બન્યો રવિ બિશ્નોઈ.
47- બાઉન્ડરી ફટકારી ભારતે બંગલાદેશ સામે, એક T20 ઇન્ટરનૅશનલ મૅચ ઇનિંગ્સમાં હાઇએસ્ટનો રેકૉર્ડ બન્યો.