28 September, 2024 06:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આન્દ્રે રસેલ
T20 વર્લ્ડ કપ 2024માં કો-હોસ્ટ વેસ્ટ ઇન્ડીઝની ક્રિકેટ ટીમ અપેક્ષા અનુસારનું પ્રદર્શન કરી શકી નહોતી. આ બધા વચ્ચે ટીમના સ્ટાર ઑલરાઉન્ડર આન્દ્રે રસેલે T20 વર્લ્ડ કપ 2026માં રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું કૅરિબિયન ટીમમાં જે પ્રકારની પ્રતિભા જોઉં છું, મને લાગે છે કે હું વધુ બે વર્ષ ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમી શકીશ. હું 2026નો T20 વર્લ્ડ કપ પણ રમવા માગું છું, કારણ કે આ ટુર્નામેન્ટમાં ઘણી પ્રતિભાઓ ભાગ લેશે. હું ઇન્ટરનૅશનલ સ્તરે રમતથી દૂર જઈ શક્યો હોત, પરંતુ હું ફક્ત ટીમના યુવા ખેલાડીઓને ઑલરાઉન્ડર તરીકે સારું પ્રદર્શન કરે એ જોવા માગું છું. હું હજી પણ ગમે ત્યાં બૉલને હિટ કરી શકું છું અને સારી ગતિએ બોલિંગ કરી શકું છું. મને નથી લાગતું કે મારે પોતાની જાતને રોકવી જોઈએ.’ કૅરિબિયન પ્રીમિયર લીગમાં વ્યસ્ત વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટર્સ ૧૩ ઑક્ટોબરથી શ્રીલંકામાં ત્રણ-ત્રણ મૅચની T20 અને વન-ડે સિરીઝ રમવા જશે.