11 December, 2022 07:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિકેટની ઉજવણી કરતો ઑસ્ટ્રેલિયાનો બોલર સ્કૉટ બોલૅન્ડ.
ઍડીલેડમાં રમાતી ટેસ્ટના ત્રીજા દિવસે સ્કૉટ બોલૅન્ડે એક જ ઓવરમાં લીધેલી ૩ વિકેટને કારણે ઑસ્ટ્રેલિયા નિશ્ચિત વિજય તરફ આગળ વધ્યું છે. ચોથી ઇનિંગ્સમાં વિજય માટે ૪૯૭ રનના લક્ષ્યાંકના જવાબમાં વિન્ડીઝે ૩૮ રનમાં ૪ વિકેટ ગુમાવી હતી. પ્રવાસી ટીમે બે ઇનિંગ્સમાં ૧૦ વિકેટ ગુમાવી હતી. દરમ્યાન ઑસ્ટ્રેલિયાએ ફૉલોઑન આપવાને બદલે ૩૧ ઓવરમાં ૬ વિકેટે ૧૯૯ રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝે પહેલી ઇનિંગ્સમાં ૨૧૪ રન બનાવ્યા હતા. તેજનારાયણ ૪૭ રનના સ્કોરને આગળ ધપાવી શક્યો નહોતો અને પહેલી જ ઓવરમાં રનઆઉટ થયો હતો. ગઈ કાલે ઍન્ડરસન ફિલિપે ૪૩ રન કર્યા હતા.
વેસ્ટ ઇન્ડીઝની બીજી ઇનિંગ્સની શરૂઆત પણ બહુ ખરાબ રહી હતી. ફાસ્ટ બોલર સ્કૉટ બોલૅન્ડે છઠ્ઠી ઓવરમાં કુલ ત્રણ વિકેટ લીધી હતી, જેમાં ક્રૅગ બ્રેથવેટ, શમાર બ્રુક્સ અને જર્મેઇન બ્લૅકવુડનો સમાવેશ હતો. ચંદરપૉલની વિકેટ મિશેલ સ્ટાર્કે લીધી હતી. આમ જીત હવે માત્ર ઔપચારિકતા જ રહી ગઈ છે.