ઍશિઝની વસૂલાત આજે અમદાવાદમાં

04 November, 2023 03:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયા જીતીને સેમી માટેનો દાવો મજબૂત કરશે ઃ ઇંગ્લૅન્ડ માટે ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ક્વૉલિફાય થવું પણ મુશ્કેલ

ઍશિઝની વસૂલાત આજે અમદાવાદમાં

અમદાવાદમાં આજે એવી બે ટીમ વચ્ચે મુકાબલો છે જેમાંની એક ટીમ જોરદાર કમબૅક કરીને હળવેકથી સેમી ફાઇનલ માટેની રેસમાં સામેલ થઈ ગઈ છે, જ્યારે બીજી ટીમ ફરી એક વાર ટ્રોફી જીતવાની વાત તો દૂર રહી, સ્પર્ધામાં ટકી રહેવા માટે પણ ફાંફાં મારી રહી છે અને આજે આઉટ થઈ શકે એની સંભાવના નકારી ન શકાય.

પાંચ વાર ચૅમ્પિયન બનેલા ઑસ્ટ્રેલિયાએ શરૂઆતની બે મૅચ હાર્યા પછી છેલ્લી ચારેચારમાં વિજય મેળવીને જબરદસ્ત ટર્નઅરાઉન્ડ કર્યું છે અને પૉઇન્ટ‍્સ-ટેબલમાં થોડા દિવસથી ત્રીજા નંબરે છે. ઍશિઝ ટેસ્ટ-સિરીઝમાં દાયકાઓથી ઇંગ્લૅન્ડ સામે લડી રહેલા ઑસ્ટ્રેલિયાએ આજે આ વર્લ્ડ કપની સૌથી ઘાયલ ગણાતી બ્રિટિશ ટીમનો સામનો કરવાનો છે. જોકે જુલાઈની ઍશિઝમાં ઇંગ્લૅન્ડે પહેલી બે ટેસ્ટ હાર્યા પછી બે ટેસ્ટ જીતીને સિરીઝ ૨-૨થી લેવલ કરી એ આંચકો ઑસ્ટ્રેલિયનો હજી ભૂલ્યા નહીં હોય.

ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ ઘણા દિવસથી ટેબલમાં સાવ તળિયે છે. ખાસ કરીને બૅટિંગની નિષ્ફળતાને લીધે જૉસ બટલરની ટીમ સતત હારી રહી છે. છેલ્લી ત્રણ મૅચમાં આ ટીમ ૧૭૦ કે એનાથી પણ ઓછા સ્કોરમાં આઉટ થઈ ચૂકી છે.

જોકે ઑસ્ટ્રેલિયાને અલગ સમસ્યા સતાવી રહી છે. એકસાથે બે ઑલરાઉન્ડર ટીમની બહાર થયા છે. ગ્લેન મૅક્સવેલ ગૉલ્ફ કાર્ટ પરથી પડી જતાં માથાની ઈજાની સારવાર કરાવી રહ્યો છે અને મિચલ માર્શ પરિવારને નડેલી એક સમસ્યાથી ચિંતિત થઈને થોડા દિવસ માટે પર્થ ચાલ્યો ગયો છે. આજની મૅચમાં આ બન્ને ખેલાડીઓ નથી તેમ જ ત્રીજો ઑલરાઉન્ડર માર્કસ સ્ટૉઇનિસ ઈજામાંથી માંડ-માંડ મુક્ત થઈને પાછો રમવા આવી રહ્યો છે.
૨૦૨૫ની વન-ડે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં આ વર્લ્ડ કપના ટોચના સાત રૅન્કવાળી ટીમો જ ક્વૉલિફાય થઈ શકશે અને ઇંગ્લૅન્ડે ટૉપ-સેવનમાં આવવા માટે પણ ઝઝૂમવાનું છે.

sports news cricket news world cup