16 November, 2019 11:20 AM IST | Mumbai | Raj Goswami
મધુબાલા
સમાચાર છે કે ‘જબ વી મેટ’, ‘હાઇવે’, ‘તમાશા’, ‘રૉકસ્ટાર’ અને ‘લવ આજકલ’ના ડિરેક્ટર ઇમ્તિયાઝ અલી હિન્દી સિનેમાની મૅરિલિન મનરો મધુબાલા પર બાયોપિક બનાવી રહ્યા છે. સૂત્રો કહે છે કે ઇમ્તિયાઝ અલી મધુબાલાના પરિવારની કંપની મધુબાલા વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ પાસેથી મધુબાલાની વાર્તાના અધિકાર ખરીદ્યા છે. આ કંપની મધુબાલાની બહેન ઝાહિદા ઉર્ફે મધુર બ્રિજ ભૂષણ ચલાવે છે. સંગીત નિર્દેશક બ્રિજ ભૂષણને પરણેલી મધુરે બે વર્ષ પહેલાં દિલ્હીમાં મૅડમ ટુસો વૅક્સ મ્યુઝિયમમાં મધુબાલાની ‘અનારકલી’ની પ્રતિમા ખુલ્લી મુકાઈ ત્યારે મધુબાલાના જીવન પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારે તેણે કહ્યું પણ હતું કે ‘એક સમય હતો જ્યારે મને થતું હતું કે માધુરી દીક્ષિત મધુબાલાનો રોલ કરે, પણ હવે લાગે છે કે કરીના કપૂરમાં મધુબાલા જેવું તોફાન છે.’
ઇમ્તિયાઝ અલીની મધુબાલા કોણ બનશે? ગૉસિપ કહે છે કે ‘ટિક ટોક મધુબાલા’થી લોકપ્રિય થયેલી પ્રિયંકા કંડવાલનું નામ ચર્ચાય છે.
મધુબાલાની ચાર બહેનો જીવે છે. અલ્તાફ (૮૭) અમરિકામાં છે, કનીઝ આપા (૯૨) ન્યુ ઝીલૅન્ડમાં છે, ચંચલ (૮૩) દુબઈમાં અને મધુર બ્રિજ ભૂષણ મુંબઈમાં છે. મધુબાલાની ત્રણ બહેનો અને બે ભાઈ પાંચ અને છ વર્ષની ઉંમરમાં જ મરી ગયેલાં. પાંચ બહેનો જીવી ગઈ એમાં મધુબાલા પાંચમા નંબરની. મધુબાલાએ ૯ વર્ષની ઉંમરે પહેલી ફિલ્મ ‘બસંત’ (૧૯૪૨)માં કામ શરૂ કરીને પરિવારની પરવરિશ શરૂ કરી. એમાં જે હિરોઇન હતી તેનું નામ મુમતાઝ શાંતિ હતું એટલે એટલે મુમતાઝ બેગમજહાં દેહલવીનું નામ બેબી મુમતાઝ પાડવામાં આવ્યું હતું. કેદાર શર્માની ‘નીલકમલ’ (૧૯૪૭)માં રાજ કપૂર સામે શર્માની પત્ની હિરોઇન હતી, પણ તેનું મૃત્યુ થયું એટલે આ ભૂમિકા ૯ વર્ષની બેબી મુમતાઝને મળી અને ત્યાંથી તેનું નામ મધુબાલા રાખવામાં આવ્યું.
‘આઇ વૉન્ટ ટુ લિવ : ધ સ્ટોરી ઑફ મધુબાલા’ નામના જીવનચરિત્રમાં ખતીજા અકબર મધુબાલાને ટાંકે છે, ‘ખૂબસૂરત હોવું એ મારા માટે બહુ મોટી વાત છે, પણ ખૂબસૂરતી સર્વસ્વ નથી. પહેલાં સુખ હોવું જોઈએ.’ ટ્રૅજેડી એ છે કે મધુબાલાએ સુખના સંતોષ સાથે અલવિદા ફરમાવી હતી એવું ખાતરીથી કહી ન શકાય. ગરીબીમાંથી બચવા માટે તેણે ૯ વર્ષની ઉંમરે ફિલ્મોમાં કામ શરૂ કરી દીધું હતું અને ૭૫ જેટલી ફિલ્મોમાં કામ કર્યા બાદ જેને આપણે દિલમાં કાણું કહીએ છીએ એ વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ નામની બીમારીમાં અલવિદા ફરમાવી ગઈ.
મધુબાલા જયારે કારકિર્દીમાં ટોચ પર હતી ત્યારે ૨૭ વર્ષની ઉંમરે ત્રણ લોકોએ તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો; ભારતભૂષણ, પ્રદીપકુમાર અને કિશોરકુમાર. મધુબાલા આ ત્રણે પ્રસ્તાવ લઈને નર્ગિસ પાસે ગઈ હતી. નર્ગિસે તેને ભારતભૂષણ સાથે લગ્ન કરવાની સલાહ આપી હતી, કારણ કે તે પેલા બેમાંથી વધુ બહેતર હતા. મધુબાલાએ પોતાની મરજીથી કિશોરકુમારની પસંદગી કરી હતી જેણે પહેલી બંગાળી પત્ની રુમા ગુહા ઠાકુર્તાથી છૂટાછેડા લીધા હતા.
કિશોરે મધુબાલા સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ અંગીકાર કરીને કરીમ અબ્દુલ નામ ધારણ કર્યું હતું. કિશોરના પરિવારને આ લગ્ન મંજૂર નહોતાં અને કોઈએ હાજરી આપી નહોતી. લગ્ન પછી પરિવારમાં એટલી માથાકૂટ થતી રહી કે એક જ મહિનામાં મધુબાલા કિશોરનો ‘ગૌરીકુંજ’ બંગલો છોડીને તેના પિતાના ઘરમાં રહેવા જતી રહી. ત્યાં તે મરતાં સુધી રહી. ‘ફિલ્મફેર’ને આપેલા એક ઇન્ટરવ્યુમાં કિશોરના મોટા ભાઈ દાદામુનિ અશોકકુમાર કહે છે કે ‘દિલની બીમારીના કારણે મધુબાલાનો સ્વભાવ ક્રોધિત થઈ ગયો હતો. તે કિશોર સાથે બહુ ઝઘડતી હતી અને મોટા ભાગે પિતાના ઘરે જ રહેતી હતી.’
મધુર ભૂષણના કહેવા પ્રમાણે મધુબાલા જીદમાં આવીને અને દિલીપકુમાર તરફના ગુસ્સામાંથી કિશોરને પરણી ગઈ હતી. મધુર કહે છે, ‘મધુબાલા અને દિલીપકુમારને વાંકું પડ્યું બી. આર. ચોપડાની ફિલ્મ ‘નયા દૌર’થી. મધુબાલાએ એ ફિલ્મનું થોડું શૂટિંગ પણ કરેલું અને એ પછી ગ્વાલિયરમાં આઉટડોર શૂટિંગ હતું. ત્યાં ડાકુઓ બહુ હતા એટલે મારા પિતાએ લોકેશન બદલવા સૂચન કર્યું હતું, પણ તેમને ડુંગરોમાં જ શૂટ કરવું હતું એટલે ના પાડી. મારા પિતાએ મધુબાલાને ફિલ્મ છોડી દેવા કહ્યું. ચોપડાએ દિલીપસા’બની મદદ માગી. ત્યારે દિલીપસા’બ અને મધુબાલાની એન્ગેજમેન્ટ થયેલી હતી. દિલીપસા’બે મધ્યસ્થી કરી, પણ મધુબાલાએ પિતાની અવજ્ઞા કરવાની ના પાડી દીધી એટલે ચોપડા પ્રોડક્શને મધુ સામે કેસ દાખલ કર્યો જે એક વર્ષ ચાલ્યો.’
ગૉસિપ તો એવી છે કે મધુબાલા દિલીપકુમાર સાથે આઉટડોર જાય તેની સામે જ પિતાને વાંધો હતો.
મધુર ઉમેરે છે, ‘ત્યાં સુધી તેમના સંબંધને અસર પડી નહોતી. દિલીપસા’બે મધુબાલાને ફિલ્મો છોડીને તેમની સાથે લગ્ન કરી લેવા સૂચન કર્યું હતું. મધુએ શરત મૂકી કે દિલીપસા’બ તેના પિતાની માફી માગે તો તે લગ્ન કરી લેશે. તેમણે ના પાડી દીધી એટલે મધુબાલાએ તેમને છોડી દીધા. એક ‘સૉરી’થી તેની જિંદગી બદલાઈ ગઈ હોત. તે મરી ત્યાં સુધી દિલીપસા’બને પ્રેમ કરતી રહી.’
મધુબાલા બીમાર પડી અને સારવાર માટે લંડન જવાની હતી ત્યારે કિશોરકુમારે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને મધુબાલા દિલીપકુમાર તરફની નારાજગીમાં કિશોરને પરણી ગઈ. મધુર કહે છે, ‘ડૉક્ટરોએ જ્યારે કહ્યું કે મધુબાલા લાંબું નહીં જીવે (ત્યારે ઓપન-હાર્ટ સર્જરી આવી નહોતી) એટલે કિશોરભાઈએ બાંદરા કાર્ટર રોડ પર ઘર લઈને મધુબાલાને એક નર્સ અને ડ્રાઇવર સાથે એમાં ફેંકી દીધી. તે ચાર મહિને એક વાર તેની ખબર જોવા આવતા. તે તેના ફોન નહોતા ઉઠાવતા. કિશોરભાઈ મધુબાલાના પ્રેમમાં પાગલ હતા, પણ તે લંડનથી પાછી આવી એ પછી તેને તરછોડી દીધી. તે સારા પતિ નહોતા.’
મધુબાલાની નોંધ લેવાઈ ‘મહલ’ (૧૯૪૯)થી. કમાલ અમરોહી નિર્દેશિત અને અશોકકુમાર અભિનીત ‘મહલ’ ભારતની પહેલી પુનર્જન્મ આધારિત થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મથી ઘણાબધા મહારથીઓ પેદા થયા હતા. અમરોહીનું આ પહેલું નિર્દેશન. અશોકકુમારે હિમાંશુ રૉય અને દેવિકા રાનીના સ્ટુડિયો બૉમ્બે ટૉકીઝ તરતો રાખવા ‘મહલ’ બનાવી હતી. બિમલ રૉય આ ફિલ્મમાં એડિટિંગનું કામ કરતા હતા જે પછીથી મોટા નિર્દેશક બન્યા. મધુબાલાની આ પહેલી હિટ ફિલ્મ (આ રોલ સુરૈયા માટે લખવામાં આવ્યો હતો) અને લતા મંગેશકરનો ઉદય આ ફિલ્મના ગીત ‘આયેગા...આનેવાલા’થી થયો, જે આજે પણ એટલું જ મશહૂર છે.
મધુબાલા ત્યારે ૧૬ વર્ષની હતી અને પિતા અતાઉલ્લા ખાન સહિત કોઈને અંદાજ નહોતો કે તેને વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ છે. એમાં હૃદયના નીચેના ભાગમાં ડાબા-જમણા ભાગ વચ્ચે એક દીવાલ હોય અને એમાં કાણું હોય તો ડાબી બાજુનું ઑક્સિજનવાળું લોહી જમણી બાજુના બિનઑક્સિજનવાળા લોહીમાં મિક્સ થાય. આ લોહી ફેફસાંમાં જાય એટલે હૃદય પર પિમ્પંગનું પ્રેશર આવે. મધુબાલામાં આ જન્મજાત ક્ષતિ હતી. નાનાં કાણાં તો બેબીના ઉછેરમાં જાતે પુરાઈ જાય, પણ મોટા કાણાની સર્જરી કરવી પડે. મેડિકલ વિજ્ઞાનને ૧૮૭૯માં આ બીમારીની ખબર પડી હતી. મધુબાલાના વખતમાં અમેરિકાની યુનિવર્સિટી ઑફ મિનેસોટામાં ડૉ. વૉલ્ટ લિલ્લેહી ૧૯૫૪માં પહેલી વાર પાંચ વર્ષની એક બાળકી પર વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટની સફળ સર્જરી કરવાના હતા. દિલની આ સારવાર મધુબાલા સુધી પહોંચવાની નહોતી.
એસ. એસ. વસનની ‘બહોત દિન હુએ’ (૧૯૫૪) માટે મધુબાલા ચેન્નઈમાં શૂટિંગ કરતી હતી ત્યારે તેને પહેલી વાર લોહીની ઊલટી થઈ હતી. એ ઊલટીની સાધારણ દવા કરી અને સારું થયું એટલે શૂટિંગ શરૂ કર્યું. કોઈને એમાં કશું ગંભીર ન લાગ્યું. એ પછી તે રાજ કપૂર સાથેની અપ્રદર્શિત ફિલ્મ ‘ચાલાક’ (૧૯૫૭)નું શૂટિંગ કરતી હતી ત્યારે સેટ પર બેભાન થઈ ગઈ. ડૉક્ટરોએ ત્યારે પહેલી વાર નિદાન કર્યું કે તેને હૃદયમાં કાણું છે. તેને ત્રણ મહિના આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. એક મહિનો આરામ કરીને મધુબાલાએ કામ ચાલુ કર્યું. તેને જોઈને કોઈ કહી ન શકે કે તે બીમાર છે. તે ખુદ માનતી નહોતી કે તેને કોઈ મુશ્કેલી છે.
ઇન ફૅક્ટ, ‘મુગલ-એ-આઝમ’નાં અમુક દૃશ્યોમાં મધુબાલાના ચહેરા પર ફીકાશ દેખાય છે. એવું કહેવાય છે કે ‘મુગલ-એ-આઝમ’એ મધુબાલાને મૃત્યુ તરફ જલદી ધકેલી હતી. એના મશહૂર ગીત ‘બેકસ પે કરમ કીજિએ...’ના શૂટિંગમાં મધુબાલાએ શરીર પર ઉઝરડા પડી જાય એવી લોખંડની ભારેખમ ઝંજીરોમાં પર્ફાર્મન્સ આપ્યો હતો. જેમ અનારકલી જીદમાં આવીને આ ગીતમાં વિદ્રોહનો પોકાર કરતી હતી એવી જ રીતે મધુબાલાએ પણ જાણે યુનિવર્સિટી ઑફ મિનેસોટાના ડૉ. વૉલ્ટ લિલ્લેહીએ કરેલી સર્જરીની અફવા સાંભળી હોય તેમ પૂરા જોશ અને આશા સાથે પર્ફોર્મ કરતી હતી. એ વખતે દિલીપકુમાર સાથે તેના બોલવાના સંબંધ નહોતા.
‘મુગલ-એ-આઝમ’ રિલીઝ થઈ એ વર્ષે ૧૯૬૦માં કિશોરકુમારે મધુબાલા અને તેના પિતાને લંડનમાં તબીબોની સલાહ લેવા મોકલ્યા હતા. તબીબોએ સર્જરી કરવાની ઘસીને ના પાડી દીધી. ડૉ. વૉલ્ટ લિલ્લેહીની ટેક્નિક તો બીજાં ૭ વર્ષ પછી વયસ્ક પર અજમાવવામાં આવવાની હતી. કારકિર્દી અને જીવન સમાપ્ત થઈ ગયું છે એવા ‘પાકા સમાચાર’ સાથે મધુબાલા મુંબઈ પાછી આવી હતી. એક સ્ત્રી તરીકે મધુબાલાને સલામ કરવી પડે કે તેણે એમ જ સાવ હાર માનવાના બદલે ખુદના જ નિર્દેશનમાં ‘ફર્ઝ ઔર ઇશ્ક’ ફિલ્મનો પ્લાન કર્યો હતો પણ એના પોસ્ટ-પ્રોડક્શનમાં જ ૧૯૬૯ની ૨૩ ફેબ્રુઆરીએ તેણે છેલ્લા શ્વાસ લીધા. ત્યારે તેની ઉંમર ૩૬ વર્ષની હતી. તબીબોએ તો બે જ વર્ષ આપ્યાં હતાં, પણ તે ૯ વર્ષ જીવી.
લંડનથી આવ્યા પછી અને કિશોરકુમારના પરિવારની માથાકૂટ પછી મધુબાલા બહુ હતાશ થઈ ગઈ હતી. એક જમાનામાં તેની જબ્બર ડિમાન્ડ હતી અને હવે કોઈ તેને મળવા પણ આવતું નહોતું. દુનિયાને ખબર પડી ગઈ હતી કે તે મરી રહી છે. મધુર કહે છે કે તે જાતે કપડાં પહેરી શકતી નહોતી અને આખો દિવસ નાઇટગાઉનમાં જ રહેતી હતી. ૩૬ વર્ષની વયે તે મરી ગઈ.
જાણીતા પત્રકાર-સંપાદક પ્રીતિશ નંદીએ હવે બંધ થઈ ગયેલી, એક જમાનાની મશહૂર અંગ્રેજી પત્રિકા ‘ઇલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઇન્ડિયા’ માટે કિશોરકુમારનો ઇન્ટરવ્યુ કર્યો હતો અને એમાં કિશોરનાં ચાર લગ્નોની વાત પણ નીકળી હતી. મધુબાલાનું નામ આવ્યું ત્યારે કિશોરે કહ્યું હતું-
‘તેની વાત અલગ હતી. તેની સાથે લગ્ન કર્યાં એ પહેલાંથી મને ખબર હતી કે તે બીમાર છે, પણ પ્રૉમિસ એટલે પ્રૉમિસ. હું જાણતો હતો કે તે હૃદયની લાઇલાજ બીમારીમાં મરી રહી છે છતાં મેં એ વચન પાળ્યું હતું અને મારી પત્ની તરીકે હું તેને ઘરમાં લાવ્યો હતો. ૯ વર્ષ સુધી મેં તેની સેવા કરી હતી. મેં તેને મારી આંખો સામે મરતાં જોઈ હતી. તમે જાતે આમાંથી પસાર ન થાઓ ત્યાં સુધી તમને આની સમજણ ન પડે. તે અત્યંત ખૂબસૂરત સ્ત્રી હતી અને અત્યંત પીડામાં મરી ગઈ. હતાશામાં તે ચીસાચીસ કરતી. તેના જેવી એક સક્રિય વ્યક્તિ કેવી રીતે લાંબાં ૯ વર્ષ સુધી પથારીમાં પડી રહે? અને મારે હંમેશાં તેને હસાવવી પડતી. ડૉક્ટરોએ જ મને આ કહ્યું હતું. છેલ્લા શ્વાસ સુધી હું એ કરતો રહ્યો. હું તેની સાથે હસતો. હું તેની સાથે રડતો.’
બદનસીબે મધુબાલાના અવસાનનાં થોડાં વર્ષોમાં જ ડૉ. વૉલ્ટ લિલ્લેહીએ દિલનાં કાણાં પૂરવા માટે વિકસાવેલી પદ્ધતિ વયસ્ક દરદીઓ માટે ઉપલબ્ધ થઈ. એ ટેક્નિકની મદદ જો મધુબાલાને મળી હોત તો તે જીવી ગઈ હોત.